કાશ્મીરમાં શહીદ થયેલા અમરેલીના જવાનના પરિવારને બિલ્ડરે 21 લાખ રોકડાની થાળી આપી
કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ માટે ફરજ દરમ્યાન અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના વીર જવાન મેહુલ મેપા ભાઈ ભુવા (ભરવાડ) 18 સપ્ટેમ્બરના રોજ કાશ્મીરમાં શહીદ થયા હતા. રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા આ વીર જવાનનો પાર્થિવ દેહ 20 સપ્ટેમ્બરના રોજ તેમના વતન લાવવામાં આવ્યો હતો, જે બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ શહીદ જવાનના પત્ની અને દીકરાઓને રડતા જોઈ સુરતના બિલ્ડર વિજય ભાઈ ભરવાડનું હ્દય દ્રવી ઉ્ઠ્યું, આ ઘટના જોયા બાદ તેઓ કારનો કાફલો લઈ શહીદ જવાનના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે થાળીમાં 21 લાખ રુપિયા આપી શહીદ જવાનના પરિવારને મદદ કરી હતી. શહીદ પરિવારને મદદ કરતા વિજયભાઈએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, ભાઈ વીર મેહુલભાઈ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ દરમ્યાન શહીદ થયા હતા.
મેં સોશિયલ મીડિયા પર તેમના પરિવારના ભાવુક દ્રશ્યો જોયા હતા. જેમાં તેમના બાળકો રડી રહ્યા હતા.આ દ્રશ્યો જોઈ મેં વિચાર્યું કે, જે જે માણસ દેશ માટે શહીદ થયો એના બાળકો વિશે આપણે વિચારવું જોઈએ.તેથી મારા મનમાં એ વિચાર ઉત્પન્ન થયો કે, ભાઈ આના બાળકોની જવાબદારી આપણે લેવી જ જોઈએ.