સાવરકુંડલામાં હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઈકચાલક આધેડે દમ તોડયો
સાવરકુંડલામાં રહેતા આધેડ બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને જઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડની સારવારમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સાવરકુંડલામાં આવેલી ગોકુલ સોસાયટીમાં રહેતા કનુભાઈ અરજણભાઈ કાનાણી (ઉ.54) બે દિવસ પૂર્વે બપોરના અરસામાં સાવરકુંડલામાં આવેલી મેઈન બજારમાં કામ માટે જતાં હતાં ત્યારે કબીર ટેકરી રોડ પર અજાણ્યા કાર ચાલકે કનુભાઈ કાનાણીના બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આધેડનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાણાવાવ તાલુકાના રાણાવડ ગામે રહેતા ગોવિંદભાઈ પુંજાભાઈ ચાંડપા નામના 52 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધી હતો. આધેડને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાહ હાથ ધરી છે.