અમરેલી જિલ્લા ભાજપ પરિવાર વોટસએપ ગ્રુપમાં ભુંડણીના સરપંચે અભદ્ર તસ્વીરો પોસ્ટ કરી દીધી!
સરપંચનો મોબાઇલ હેક થઇ ગયાનો લૂલો બચાવ
ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લા ભાજપ પરિવાર વોટસએપ ગૃપમા ભુંડણી ગામના સરપંચના મોબાઇલ પરથી અભદ્ર તસ્વીરો પોસ્ટ કરવામા આવી હતી. જો કે સરપંચનો મોબાઇલ હેક થયો હોવાનુ જણાવી મોડી સાંજે ખાંભા પોલીસમા ફરિયાદ લખાવવા તજવીજ હાથ ધરાઇ હતી.
ચલાલાના ધારાસભ્ય જે.વી.કાકડીયાના પીએ દ્વારા અમરેલી જિલ્લા ભાજપ પરિવાર વોટસએપ ગૃપ ચલાવવામા આવે છે. જેમા જિલ્લાભરના ભાજપ આગેવાનો અને મિડીયાકર્મીઓ જોડાયેલા છે. સાંજના સમયે અચાનક આ ગૃપમા બિભત્સ તસ્વીરો પોસ્ટ થઇ હતી. જેને ધારાસભ્યના પીએ હર્ષદભાઇ દ્વારા દુર કરવામા આવી હતી.
ત્યારબાદ વોટસએપ ગૃપમા જણાવાયુ હતુ કે ખાંભા તાલુકાના ભુંડણી ગામના સરપંચનો મોબાઇલ, ફેસબુક, વોટસએપ વિગેરે હેક થઇ ગયુ છે. અને તેમાથી અભદ્ર તસ્વીરો મુકાઇ છે જે તેમણે મુકી નથી.
તેઓ પોતાનો ફોન પણ ઉપાડી શકતા નથી કે વાત કરી શકતા નથી. મોડી સાંજે સરપંચ અને ભાજપ આગેવાનો આ અંગે પોલીસ ફરિયાદ કરવા ખાંભા પોલીસ મથકે દોડી ગયા હતા.