આટકોટ શ્રીજી ડેરીમાંથી દૂધની સાથે વિદેશી દારૂ બિયરનું પણ વેચાણ થતુ’તુ
નાતાલના તહેવાર નજીક આવી રહ્યાં છે ત્યારે દારૂના ધંધાર્થીઓ ફરી બેફામ બન્યા છે જેમાં રાજકોટ જિલ્લાના આટકોટમાં શ્રીજી ડેરીમાંથી દૂધની સાથે દારૂ અને બિયરનું પણ વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 48 બોટલ વિદેશી દારૂ અને 77 બીયર મળી 26,500નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને એક શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ આટકોટ મેઈન બજારમાં આવેલ શ્રીજી ડેરી અને કેટરર્સ નામની દુકાનમાંથી દારૂ અને બિયરનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતાં દૂધની ડેરીમાંથી જુદી જુદી બ્રાંડની 48 બોટલ વિદેશી દારૂ અને 77 બિયરના ટીન મળી આવ્યા હતાં. પોલીસે 26,500નો મુદ્દામાલ કબજે કરી દૂકાનદાર સાવન ભાવેશભાઈ છાયાણી (ઉ.32)ની ધરપકડ કરી હતી.
પોલીસની પુછપરછમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો વિજયભાઈ લક્ષ્મણભાઈ હિરાણીનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખ્સની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ગોંડલના અમરનગર ગામેથી 44 બોટલ દારૂ ઝડપાયો
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અમરનગર ગામે સુલતાનપુર પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે શંકાસ્પદ બાઈકમાં નીકળેલા હિરા ઘસુ સાગર ઉર્ફે જવેર જયંતિભાઈ ચાવડા (ઉ.32) અને ગેરેજમાં કામ કરતાં રાહુલ બાબુભાઈ ચૌહાણ (ઉ.23)ની અટકાયત કરી તલાસી લેતાં તેમની પાસેથી જુદી જુદી બ્રાંડની 44 બોટલ વિદેશી દારૂ મળી આવતાં 36,360 નો મુદ્દામાલ કબજે કરી વિશેષ પુછપરછ હાથ ધરી છે.