અમરેલીના વાંકિયા ગામે વધુ એક યુવાન પર દીપડાનો હુમલો
અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં દીપડાની વધતી અવરજવરે ગંભીર સ્થિતિ સર્જી છે. આજે વહેલી સવારે મુકેશભાઈ નાનુભાઈ કુકવાવા (ઉ.વ.35) ઘરની પાછળ શૌચાલય તરફ જતા હતા ત્યારે દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મુકેશભાઈને હાથ-પગ પર ઈજાઓ થઈ છે. વાંકીયા ગામના મહિલા સરપંચ નયનાબેન દાતેવાડીયાના જણાવ્યા મુજબ, ગામમાં દીપડાની વધતી અવરજવરને કારણે ખેતમજૂરો અને ખેડૂતોની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. તેમણે વન વિભાગમાં અનેક વખત રજૂઆતો કરી છે અને ચાર દિવસ પહેલા પણ પાંજરું મૂકવાની માગ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.
અમરેલી સામાજિક વનીકરણ ડિવિઝનના ડીસીએફ દક્ષાબેન ભેરાઈનો સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તેમણે કોઈ પ્રતિસાદ આપ્યો નથી. સ્થાનિક લોકોએ વન વિભાગની નિષ્ક્રિયતા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અમરેલી અને બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત વધી રહી છે. સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો આગામી દિવસોમાં વધુ વિવાદ સર્જાવાની શક્યતા છે.