ઇંગોરાળામાં વૃદ્ધાની હત્યા કરી લૂંટ
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામમાં લૂંટ કરવા આવેલા શખસોએ વૃદ્ધાની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. વૃદ્ધા જ્યારે ઘરે એકલાં હતાં ત્યારે ચોરી અને લૂંટ કરવા આવેલા શખસોએ વૃદ્ધાની હત્યા કરીને એક લાખ 40 હજારની લૂંટ કરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, ખાંભાના ઈંગોરાળા ગામના 65 વર્ષીય સોનાબેન કાનાભાઈ તેમના પતિ સાથે રહે છે અને દુકાન ચલાવીને પોતાનું ગજરાન ચલાવે છે. ગઇકાલે એટલે કે 2 ઓક્ટોમ્બરના રોજ તેમના પતિ કોઇ કામ અર્થે બાજુના ગામ નિંગાળા ખાતે ગયા હતા અને સોનાબેન ઘરે એકલાં હતાં.
આ દરમિયાન ગત રાતે સોનાબેનના ઘરમાં ચોરી અને લૂંટ કરવાના ઇરાદે કેટલાક શખસો આવ્યા હતા, જેમાં સોનાબેને બૂમાબૂમ કરતાં ઝડપાઝપી થઇ હતી. એમાં શખસોએ સોનાબેનની હત્યા કરી હતી અને તેમના શરીરે પહેરેલાં ઘરેણાં સહિત ઘરમાંથી રોકડ મળી કુલ એક લાખ 40 હજારનો મુદ્દામાલ લઇને ફરાર થઇ ગયા હતા.
સવારે આ ઘટનાની જાણ પાડોશીઓને થતાં તેમણે સોનાબેનના પતિ, સગાંસંબંધી અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ડોગ-સ્ક્વોડ સાથે ડી.વાય.એસ.પી, એલ.સી.બી સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં જઇને જોયું તો ઘરમાં તિજોરીનાં તાળાં તૂટેલાં હતાં અને સરસામાન વેરવિખેર જોવા મળ્યો હતો.
પોલીસે સોનાબેનના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને તેમના પતિની ફરિયાદના આધારે અજાણ્યા શખસો સામે લૂંટ અને હત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.