સરકારની ઇચ્છા શક્તિના અભાવે અમરેલીનો વિકાસ અધૂરો: ધાનાણી
અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારના અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી ના પાડી દે ટ્વીટ પર પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આકરા પ્રહાર કર્યા છે.
ધાનાણીએ કહ્યું કે રાજ્યને પ્રથમ મુખ્યમંત્રીની ભેટ આપનાર ડો. જીવરાજ મહેતાના અમરેલીમાં આજે પણ વિકાસ અધૂરો છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકારની ઇચ્છાશક્તિના અભાવે અમરેલીમાં ખેતીને પણ સમૃદ્ધ કરી શકાઈ નથી અને જિલ્લો ઔદ્યોગિક રીતે ધમધમતો બની શક્યો નથી.
આ જ કારણોસર ધંધા-રોજગારના અભાવે અમરેલીનું યુવાધન દેશ-પરદેશ જવા મજબૂર બન્યું છે અને મોટા ગામના લોકો દીકરી દેતા ખચકાય છે. ધાનાણીએ જણાવ્યું કે અગાઉ પાણી, ઉભરાતી ગટર કે ખાડા-ખડબચડા રોડના કારણે દીકરી નહોતા દેતા, જે સુવિધાઓ અમે વિપક્ષમાં હોવા છતાં પૂરી કરાવી. વધુમાં તેમણે સત્તાધારી પક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે વીર વરઘોડા વાળા બની સત્તામાં બેઠેલા લોકો પોતાની જ દીકરીઓના જાહેરમાં વરઘોડા કાઢે, તો પારકા ગામની દીકરીઓ વોહીયારે અમરેલી કેમ આવે?