અમરેલી પોલીસની ટીમે ડ્રોન ઉડાડી તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવતેર પકડ્યું
ધારી પોલીસ મથકની પાછળ છ માસથી વાવેલો 117 કિલો લીલો ગાંજો કબજે કરાયો
ધારી પોલીસ ઇંગ્લીશ, દેશી દારૂૂ, રેતી અને વાહનોની હપ્તાખોરીમા વ્યસ્ત છે તેવા સમયે અહીના ખેડૂતે પોલીસ સ્ટેશનની પાછળ થોડે દુર જ ઉભા ખેતરમા છ માસથી લીલા ગાંજાનુ વાવેતર કર્યુ હતુ. બાતમી મળતા એસઓજીની ટીમે અહી ત્રાટકી ગાંજાના 340 છોડ કબજે લઇ સ્થાનિક પોલીસનુ રીતસર નાક કાપી લીધુ હતુ. અહીથી 11.70 લાખનો મુદામાલ કબજે લેવામા આવ્યો છે.
અમરેલી એસઓજીના પીઆઇ ચૌધરી અને સ્ટાફને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે ડ્રોનની મદદથી ધારીની સીમમા ગાંજાનો આ જથ્થો ઝડપી લીધો હતો. ધારીમા નવી વસાહત નજીક પાણીના ટાંકા પાસે અને અહીના પોલીસ મથકની પાછળની બાજુ માત્ર થોડા અંતરે રમેશ અરજણભાઇ વેકરીયા નામના ખેડૂતના ખેતરમાથી આ ગાંજો ઝડપાયો હતો. છ માસ પહેલા ચોમાસામા રમેશ વેકરીયાએ તુવેરનુ વાવેતર કર્યુ હતુ. અને તુવેરની આડમા વચ્ચે વચ્ચે ગાંજાના છોડ પણ વાવ્યા હતા.
હાલમા આ છોડ છ માસના મોટા કદના બની ગયા હતા. આમ છતા થોડા અંતરે જ આવેલા ધારી પોલીસ મથકમા કોઇને ખબર પડી ન હતી. એક તરફ ધારીમા ખુલ્લેઆમ દેશી અને ઇંગ્લીશ દારૂૂના હાટડા ખુલ્યા છે, રેતી અને વાહનોની બેફામ હપ્તાખોરી થઇ રહી છે, નિર્દોષ લોકોને મારઝુડ કરી નાણા પડાવાઇ રહ્યાં છે, કોઇની સામે ગુનો નોંધાય તો આરોપી પાસેથી તગડી રકમ પડાવાતી હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. તેની વચ્ચે પોલીસ સ્ટેશન નજીક ગાંજાનુ વાવેતર થાય છતા પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી.
એસઓજીની ટીમે અહી તુવેરના છોડ વચ્ચેથી લીલા ગાંજાના 340 છોડ ઝડપી લીધા હતા. જેનુ વજન કરવામા આવતા આ લીલા છોડનુ વજન 117 કિલો થયુ હતુ. પ્રતિ કિલો રૂૂપિયા 10 હજારના ભાવ લેખે એસઓજીએ અહી 11.70 લાખનો મુદામાલ કબજે લીધો હતો અને રમેશ વેકરીયાને ઝડપી લીધો હતો. બાદમા આ શખ્સને ધારી પોલીસને સોંપી તેની સામે ગુનો નોંધાવવા કાર્યવાહી કરી હતી.