અમરેલી જિલ્લા ભાજપ નેતાઓનો જ પોલીસ સામે મોરચો
ખુલ્લેઆમ દારૂના અડ્ડા, રેતીચોરી, એસ.પી.દ્વારા અયોગ્ય વર્તન સહિતની ફરિયાદોના મારાથી રાજકારણ ગરમાયું
ગુજરાતમાં દારુબંધી અંગે વારંવાર પ્રશ્નો ઉઠતા રહે છે. વિપક્ષ પણ સરકાર સામે દારુબંધીના કડક અમલ અંગે પ્રહારો કરતું રહે છે. પરંતુ હવે અમરેલી જિલ્લામાં ખુદ શાસક પક્ષના નેતાએ જ દારુબંધી અંગે સવાલો ઉઠાવતા ચકચાર મચી જવા પામી છે.
અમરેલી જિલ્લાના લીલીયામાં કાયદા-વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યાનો આરોપ બીજેપીના નેતા દ્વારા લગાવવામાં આવ્યો છે. ભાજપના જ નેતાએ અમરેલી જિલ્લા પોલીસવડા સામે મોરચો માંડ્યો છે. જિલ્લા પંચાયતના સભ્ય અને બીજેપી નેતા વિપુલ દૂધાતે પોલીસવડા સામે મોરચો માંડ્યો છે.
જિલ્લા- તાલુકા પંચાયતના સભ્યો અને લીલીયા તાલુકાના નેતાઓએ મોરચો માંડતા રાજકારણ ગરમાયું છે. અમરેલીમાં દારૂૂના ખુલ્લેઆમ અડ્ડા ચાલતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડા ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરતા હોવાનો વિપુલ દૂધાતે આરોપ લગાવ્યો છે. દૂધાતની સાથે લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખે પણ રજૂઆત કરી છે.આ ઉપરાંત લીલીયા વેપારી મંડળ, ડાયમંડ એસો.ના પ્રમુખે બેફામ અડ્ડા ધમધમતા હોવાનો આરોપ લગાવ્યો છે. લીલીયા તાલુકો મહેશ કસવાલાના વિધાનસભા મતવિસ્તારમાં આવે છે.
લીલીયા પોલીસ સ્ટેશનમાં એસપીના ઇન્સ્પેક્શન દરમિયાન જીલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ ભીખાભાઇ ધોરાજીયા, તાલુકા ભાજપના પ્રમુખ જીગ્નેશભાઈ સાવજ, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ભનુભાઈ ડાભી, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભૂપતભાઈ ધામત, વેપારી મંડળના પ્રમુખ પ્રવીણભાઈ સોની સહિતના લોકો પોલીસ સ્ટેશન દારૂૂ અને રેતી બાબતે રજુવાત કરવા પહોંચ્યા હતા.
ભાજપના નેતા જિલ્લા પંચાયતનાં સદસ્ય વિપુલ દુધાતે પોલીસ સામે સવાલો ઉઠાવ્યા છે. અધિકારીને ન શોભે તેવું વર્તન એસપી દ્રારા કરવામાં આવ્યું હોવાનો ભાજપ નેતા વિપુલ દુધાતે આરોપ લગાવ્યો છે.
લીલીયાના નેતા અને આગેવાનો સાથે ખરાબ વર્તન એસપી દ્વારા કરવામાં આવ્યું હોવાનો આરોપ દૂધાતે લગાવ્યો છે. દુધાતના આ નિવેદનથી મામલો ગરમાયો છે.