અમરેલી કોર્ટે પાટીદાર યુવતી સામે કેસ પાછો ખેંચવાનો રિપોર્ટ ફગાવ્યો
યુવતીએ પોલીસ સામે કરેલા આક્ષેપોની તપાસ માટે ‘સિટ’ની રચના કરતા એસ.પી.
પોલીસની અરજી કોર્ટે ફગાવતા પાયલ ગોટી સામે ફોજદારી કેસ ચાલશે
અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરૂધ્ધ તાલુકા પંચાયત પ્રમુખના નામે વાયરલ થયેલ નકલી લેટરકાંડમાં પોલીસે ભાજપના ત્રણ આગેવાનો સાથે નિર્દોષ ટાઇપીસ્ટ યુવતીની મધરાત્રે ધરપકડ કરી સરઘસ કાઢવાના કાંડમાં ઘેરા પ્રત્યાઘાતો પડતા ચોતરફથી ભીંસાયેલા અમરેલી એસ.પી.એ હવે પોલીસ સામે થયેલા આક્ષેપોની તપાસ માટે ડીવાયએસપી એ.જી. ગોહિલની અધ્યક્ષતામા મહિલા પી.આઇ. આઇ.જે. ગીડા તથા પીએસઆઇ એચ. જે. બરવડીયાની ‘સીટ’ની રચના કરી છે.
યુવતીએ પોલીસે સરઘસ કાઢવા ઉપરાંત પટ્ટાથી માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.બીજી તરફ પીડિત યુવતી સામે કેસ પાછો ખેંચવા પોલીસે કરેલા કલમ 169 હેઠળનો રિપોર્ટ કોર્ટે ફગાવી દેતા હવે ભોગ બનેલ પાયલ ગોટી સામે ફોજદારી કેસ કોર્ટમાં ચાલશે.અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ ઉપર વિધાનસભાના નાયબ દંડક કૌશીક વેકરીયા ઉપર પ્રતિષ્ઠાને હાનિ પોહચાડવા મામલે ગંભીર આક્ષેપો કરવામા આવ્યા હતા ત્યારબાદ કિશોર કાનપરિયા દ્વારા ફરિયાદ નોંધાવતા અમરેલી પોલીસએ પાયલ ગોટી સહિત 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીના રિક્ધસ્ટ્રક્શનને લઈ વિવાદ અમરેલીનો ગુજરાતભરમાં ઉભો થયો હતો.
પાટીદાર સમાજ ખોડલ ધામ સંસ્થા સહિત રાજકીય પાર્ટીના લોકોએ પાયલ ગોટીનો વરઘોડો અને સરઘસ કાઢ્યું હોવાના ગંભીર આક્ષેપ કરી ન્યાય માટેની માંગણી કર્યા બાદ અમરેલીમાં પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામ ધાર્મિક સંસ્થાના આગેવાનો ફરિયાદી સહિત વચ્ચે બેઠકો યોજી આરોપી યુવતી પાયલ ગોટીનું નામ કાઢવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો.અમરેલી પોલીસ એ 2 દિવસ પહેલા 169 મુજબ પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો અને કોર્ટમાં પોલીસે સ્વીકાર્યું પાયલ ગોટી સામે કોઈ પુરાવા મળતા નથી. પાયલ ગોટી આરોપી તરીકે નામ દૂર કરવા માટેની પ્રક્રિયા પોલીસ દ્વારા રજૂ કરતાં અમરેલી કોર્ટએ અરજી ફગાવી દેતા હવે પાયલ ગોટીનો કેસ ચાલશે અને મુશ્કેલી પણ આવતા દિવસોમાં વધી શકે છે પાયલ ગોટીને કોઈ રાહત મળી નહિ.
જશવંતગઢના સરપંચને દૂર કરવા DDOની નોટિસ
પોલીસ રિમાન્ડ બાદ હાલ સરપંચ જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે જિલ્લા વિકાસ અધિકારીએ 3 દિવસમાં ખુલાસો પુછ્યો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા પર આક્ષેપ કરતા બનાવટી લેટર તૈયાર કરવાના ગુનામા સંડોવાયેલા જશવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા હાલ જેલમા હોય તેમને હોદા પરથી દુર કેમ ન કરવા તેવી ડીડીઓએ નોટીસ ફટકારી છે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારીએ જશવંતગઢના સરપંચ અશોક કનુભાઇ માંગરોળીયાને પંચાયત ધારા હેઠળ આજે આ નોટીસ ફટકારી હતી. તેમની સામે બનાવટી લેટરકાંડ અંગે ગુનો દાખલ કરવામા આવ્યો હતો અને જે ચાર આરોપીઓની ધરપકડ કરવામા આવી તેમા જશવંતગઢના સરપંચ અશોક માંગરોળીયાનો પણ સમાવેશ થાય છે. તેઓ પોલીસ રીમાન્ડ પર રહ્યાં બાદ હાલમા જુડિશ્યલ કસ્ટડીમા ધકેલી દેવાયા છે.
દીકરીને ન્યાય ન અપાવી શકીએ તો રાજકારણમાં રહેવાનો અધિકાર નથી : વસોયા
આમ આદમી પાર્ટીના નેતા અને પાટીદાર યુવતીના વકીલ ગોપાલ ઈટાલીયાએ અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા તેને લઈને માફી માંગી હતી. ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે સુરતમાં ગોપાલ ઈટાલીયાએ જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે કે પોલીસ દ્વારા પાટીદાર દીકરીને પકડીને તેનું સરઘસ કાઢવામાં આવે છે, અને દીકરીને માર પણ મારવામાં આવે છે. આ ઘટનાના વિરોધમાં ગોપાલ ઇટાલીયા રાજકીય આગેવાન અને પાટીદાર સમાજના આગેવાન તરીકે તેમણે જાહેરમાં સ્વીકાર્યું કે, આ સજા મને પણ થવી જોઈએ. જો સામાજિક સંસ્થાઓ અને રાજનેતાઓ આ દીકરીને ન્યાય નો અપાવી શકીયે તો, આપણને રાજકારણમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આપણને પાટીદાર સમાજે જીતાડીને ખભા ઉપર બેસાડ્યો છે. અને સમાજ આપણને ખભા ઉપરથી ઉતારી દેશે ત્યારે આપણે ખૂબ જ નાના થઈ જઈશું. હું ખોડલધામ,સરદાર ધામ, અને ઉમિયા ધામના સામાજિક આગેવાનોને કહું છું કે આપણી આ દીકરીને ન્યાય આપવા માટે આગળ આવવું જોઈએ.