‘આપ’ અને ‘બાપ’ બન્ને એક જ માની પેદાશ: ધાનાણી
સડેલી મગફળી અને કપાસના ઝીંડવા સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ
ઇટાલિયાએ હેક્ટરે 50 હજારનું પેકેજ માગી ખેડૂતોને ગીરવે મૂકવાનું કામ કર્યું
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજથી વડિયાથી ખેડૂત સત્યાગ્રહ આંદોલનની શરૂૂઆત કરવામાં આવી છે. આ આદોલન 8 નવેમ્બર સુધી જિલ્લાના અલગ-અલગ તાલુકામાં યોજાશે. આંદોલનના પ્રથમ દિવસે પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતે ભાજપ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા છે. પરેશ ધાનાણીએ ‘આપ’ અને ‘બાપ’ બંનેને એક જ માની પેદાશ ગણાવ્યા હતા. જે બાદ શીંગ અને કપાસના ઝીંડવા માથે ઉપાડી વડિયા મામલતદાર કચેરી પહોંચી દેવા માફી અને તાત્કાલિક સહાયની માંગ કરી હતી.
પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. અમે કાર્યક્રમ યોજીને ખેડૂતો સાથે વાતચીત કરી તો સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ ખેડૂતોએ એક વિઘો ઉત્પાદન માટે 17 હજાર 200ને 35 રુપિયા ખર્ચ કરી ચુક્યા છે. વિઘે 20 મણ જેટલી માંડવીના ઉતારા પાણીમાં પલળી ગયા છે. ખેડૂતોને વિઘે 50 હજારનું નુકસાન થયું છે.
ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કરતાં પરેશ ધાનાણીએ જમાવ્યું કે આ ‘આપ’ અને ‘બાપ’ બંને એક જ માની પેદાશ છે. બંનેએ કુલડીમાં ગોળ ભાંગ્યો છે. વિસાવદરના ખેડૂતોના ખભે ચૂંટાયેલા નવા સવા નેતાએ જાહેરાત કરી કે દાદાની સરકાર એક હેકટરે 50 હજાર રુપિયા. એટલે કે એક વિઘાના 8 હજાર રુપિયા જાહેર કરશે તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જઇશ.
ઇટાલિયાને સવાલ પુછતાં ધાનાણીએ જણાવ્યું કે, મારે ખેડૂતો વતી એમને પુછવું છે કે, ખેડૂતે વિઘે 17 હજાર ખર્ચ કર્યો અને એની સામે માત્ર 8 હજાર રુપિયા મળશે તો તમે દાદાના દરબારમાં મુજરો કરવા જશો? તમે ગુજરાતના ખેડૂતને ગીરવે મુકી શકશો નહીં. ભાઇ ગોપાલ, તમે સરકાર સાથે પેકેજ નક્કી કરી લીધુ હોય તો કંઇ વાંધો નહીં પણ ગુજરાતના ખેડૂતોને એક વિઘે 50 હજારનું નુકસાન ગયું છે તેનું પેકેજ નક્કી કરવા માટેનો અધિકાર જગતના તાતનો છે. તમારે ગીરવે મુકાવું હોય તો ભલે મુકાઓ પણ ખબરદાર કમોસમી વરસાદથી ખેડૂતોને ગીરવે મુકવાનું કામ કર્યું છે તો ખેડૂતો તમને માફ નહી કરે.
