બાબરામાં છાત્રાલયમાં રહેતા યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ
અમરેલીનાં બાબરાનાં ગોપાલક છાત્રાલયમાં રહી સરકારી પરીક્ષાની તૈયારી કરતા યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. 20 વર્ષનાં રવિ વકાતર નામનાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નિપજતા છાત્રાલયનાં વિદ્યાર્થીઓમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
છાત્રાલયમાં રહીને પોલીસ ભરતીની તૈયારી કરતો વિદ્યાર્થી રવિ વકાતર બે દિવસ પહેલા જ જસદણનાં કડુકા ગામેથી અભ્યાસ અર્થે આવ્યો હતો. ત્યારે છાત્રાલયમાં અચાનક રવિને છાતીમાં દુખાવો ઉપડતા છાત્રાલયનાં વિદ્યાર્થીએ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરનાં ર્ડાક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. રવિના મોતના સમાચાર તેનાં પરિવારજનો તેમજ તેનાં મિત્રોને થતા તમામ લોકોમાં શોક વ્યાપી ગયો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આજના સમયમાં યુવાનો કામનું એટલું દબાણ લે છે કે આ પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આખો સમય કોમ્પ્યુટર કે ફોન પર કામમાં વ્યસ્ત રહેવું અને આહાર અને કસરતને અવગણવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે.
કામના દબાણ અને તણાવને ઘટાડવા માટે આજના યુવાનો ઘણીવાર ધૂમ્રપાન અથવા દારૂ પીવા તરફ આકર્ષાય છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ હાર્ટ એટેકનું મોટું કારણ પણ બની શકે છે.