ધારીના મોણવેલના યુવકને બેંક વેરિફિકેશનની એપ મોકલી 2.43 લાખની ઠગાઇ
ફાઇલ ખોલતાની સાથે બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપડી ગઇ
ધારીના મોણવેલમાં બેંક વેરીફીકેશનની એપ મોકલી યુવક સાથે અજાણ્યા શખ્સ રૂૂપિયા 2,43,462ની છેતરપીંડી આચરી હતી. આ અંગે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો હતો. ધારીના મોણવેલમાં સરકારી દવાખાના પાસે રહેતા વિપુલભાઈ બાબુભાઈ હરખાણી (ઉ.વ.40)એ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના મોબાઈલ નંબર પર અજાણ્યા શખ્સે બેંક અધિકૃત કર્મચારી ન હોવા છતા ખોટા નામે સોશ્યલ મીડિયામાં બેંક વેરીફીકેશન એપીકે ફાઈલ મોકલી હતી.
વિપુલભાઈએ આ ફાઈલ ખોલતાની સાથે જ તેમના બેંક એકાઉન્ટમાંથી જુદી જુદી રકમ રૂૂપિયા 2,43,462 ઉપડી ગયા હતા. અજાણ્યા શખ્સે વિપુલના બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી ઓનલાઈન ફ્રોડ કર્યો હતો.
આ અંગે ધારી પોલીસ મથકમાં ગુનો નોંધાતા પીઆઈ કે.બી.જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે. આમ, અમરેલી જિલ્લામાં સાયબર ગઠિયાઓ ડોરો મંડરાઇ રહ્યો છે. મંગળવારે એક જ દિવસ ત્રણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો શિકાર બની હતી.