રાજુલામાં એકાદ વર્ષ પૂર્વે પતિ સહિતના સાસરિયાએ પરિણીતાને એસિડ પીવડાવી દીધા બાદ મોત
સસરા અને જેઠાણી વચ્ચેના અનૈતિક સંબંધની જાણ થતાં વાત બહાર ન પડે તેવી બીકે મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ
રાજુલામાં એકાદ વર્ષ પૂર્વે પતિ સહિતના સાસરીયાએ પરિણીતાને એસીડ પીવડાવી દીધું હતું. પરિણીતાનું સારવાર દરમિયાન રાજકોટ માસીયાય ભાઈ ના ઘરે મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક પરિણીતાને તેના સસરા અને જેઠાણી વચ્ચેના આડા સંબંધની જાણ થતાં ઘરની વાત બહાર ફેલાઈ જશે તેવી બીકે પતિ સહિતના સાસરીયાએ એસીડ પીવડાવી મોતને ઘાટ ઉતારી હોવાનું મૃતક પરિણીતાના પરિવારે આક્ષેપ કર્યો હતો.
રાજુલામાં ભેરાઈ રોડ પર રહેતી પ્રિયાબેન યશભાઈ ટાંક નામની 21 વર્ષની પરિણીતા એકાદ વર્ષ પૂર્વે તેના ઘરે હતી ત્યારે પતિ યશ ટાંક, સાસુ ભાવનાબેન, નણંદ કોમલબેન અને જેઠાણી અસ્મિતાબેને ઝઘડો કરી એસીડ પીવડાવી દીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે મહુવા, ભાવનગર અને સુરત ખસેડવામાં આવી હતી. જ્યાં રજા લઈ પરિણીતાને ઘરે લઈ જવામાં આવી હતી અને ઘરે જ સારવાર શરૂ કરવામાં આવી હતી. પ્રિયાબેન ટાંક રાજકોટમાં રહેતા માસીયાઈ ભાઈના ઘરે હતી ત્યારે તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રિયાબેનના બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં. પ્રિયાબેનને તેના સસરા અને જેઠાણી વચ્ચે ચાલતા આડા સંબંધની જાણ થઈ જતાં ઘરની વાત બહાર ફેલાઈ જશે તેવી દહેશતે પતિ સહિતના સાસરીયાઓએ પ્રિયાબેનને એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.