માતા-પિતા વચ્ચે સૂતેલા બે વર્ષના બાળકને ઉઠાવી જઇ દીપડાએ ફાડી ખાધો
ધારી તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં બનેલી ઘટનાથી ખેડૂતોમાં ભારે ફફડાટ
અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં દીપડાના હુમલામાં બે વર્ષના બાળકનું કરુણ મૃત્યુ થયું છે. દલખાણીયા રેન્જના હિરાવા બીટના રાજસ્થળી રેવન્યુ વિસ્તારમાં વહેલી સવારે આ ઘટના બનતા ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે.
મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ રાજસ્થળી ગામે મનુભાઈ લખમણભાઈ શેલડીયાની વાડીમાં પરપ્રાંતીય મજૂરો રાત્રે સુતા હતા. આ દરમિયાન દીપડાએ બે વર્ષના બાળક બીટુ સુંદરસિંહ મીનાવાને માતા-પિાની વચ્ચેથી ઉઠાવી લીધો અને તેને ફાડી ખાધો હતો. આ પરિવાર મધ્યપ્રદેશના રતન ઢોલા, હનુમાનધારનો રહેવાસી હોવાનું જાણવા મળે છે.
ઘટનાની જાણ થતાં જ દલખાણીયા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂૂ કરી છે. દીપડાને પકડવા માટે વન વિભાગે તાત્કાલિક કવાયત હાથ ધરી છે.