લીલિયાના પૂંજાપાદર ગામે માલધારીના વાડામાં ધૂસી દીપડાએ 16 પશુ ફાડી ખાધા
ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી વિવિધ જગ્યાએથી દીપડાના આતંકના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો ગુજરાતના અમરેલી જિલ્લામાંથી પણ સામે આવ્યો છે. જ્યાં દીપડાના આતંકના કારણે માલધારીનું પશુધન લૂંટાઈ ગયું હતું. દીપડાએ માલધારી સમાજની ઝોકમાં હુમલો કર્યો હતો અને આશરે બે ડઝનથી વધારે પશુઓનો શિકાર કર્યો હતો. દીપડાના આતંકથી હાલ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
અમરેલીના લીલીયા પંથકમાં પૂંજાપાદર ગામે દીપડાનો આતંક જોવા મળ્યો હતો. જ્યાં ગામના માલધારી સમાજના ઝોકમાં ઘુસી આવ્યો હતો. આ હિંસક દીપડાએ પોતાનો આતંક મચાવતા આશરે 2 ડઝનથી વધુ પશુધનનું મારણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, દીપડાએ ગોવિંદ રાતડીયા નામના માલધારીના ઘેટાં-બકરાંની ઝોકમાં આતંક મચાવ્યો હતો. દીપડાએ 16થી વધુ ઘેટાં-બકરાંનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યા હતાં અને અંદાજે 8 થી 10 જેટલાં ઘેટાં-બકરાંને ગંભીર ઈજા પહોંચાડી હતી. હિંસક દીપડાના હુમલાથી માલધારીઓમાં દુ:ખ અને ભયનો માહોલ ફેલાયો છે. હાલ વન વિભાગ દ્વારા સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી દીપડાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય પૂંજાપાદર ગામના સરપંચે પણ દીપડાને વહેલામાં વહેલી તકે પાંજરે પૂરવાની માંગ કરી છે.
નોંધનીય છે કે, ગઈકાલે પણ મોટા કણકોટ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. જેમાં હિંસક દીપડાએ 5 જેટલાં પશુઓનું મારણ કર્યું હતું. ત્યારે સતત બીજા દિવસે દીપડા દ્વારા 2 ડઝનથી વધુ પશુના મારણની ઘટના સામે આવતાં લોકો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. હાલ, વન વિભાગ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ તેજ કરી દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.