અમરેલીના જાળિયા ગામે મધ્યસ્થ બેંકમાંથી ચોરીનો પ્રયાસ કરનાર તસ્કર ગેંગ ઝડપાઇ
થોડા દિવસ પહેલા અમરેલી તાલુકાના જાળીયા ગામે મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીનો પ્રયાસ કરનાર પરપ્રાંતિય ગેંગને અમરેલી એલસીબીએ ઝડપી લીધી છે. આ શખ્સો પાસેથી 65 હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. જ્યાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ લોખંડની ગ્રીલનું તાળું તોડી બેંકમાં પ્રવેશ કર્યો હતો. અને સરસામાન વેરવિખેર કરી નાખી કબાટનું તાળું તોડવા પણ પ્રયાસ કર્યો હતો.જો કે તસ્કરોને બેંકમાંથી કોઈ રકમ હાથ લાગી ન હતી. આ અંગે બેંક દ્વારા જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન આ કેસમાં અમરેલી એલસીબીએ હાલમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. મૂળ મધ્ય પ્રદેશના રાહુલ સવલસિંહ બામણીયા, રૂૂપેન પ્યારસિંહા ડાવર અને હતરસિંહ સબલાસિંહ અજનાર નામના યુવકોની ધરપકડ કરવામાં આવી છે. આ ચોરીના પ્રયાસમાં સંડોવાયેલ અન્ય એક શખ્સ મલસિંહ નરભેસિંહ મોહનિયા હજુ પોલીસના હાથમાં આવ્યો નથી.
પોલીસે ત્રણેય પાસેથી બે ફોન, બાઇક વિગેરે મળી કુલ રૂૂપિયા 65,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. પકડાયેલા ત્રણેય શખ્સોએ બનાવની રાત્રે બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત આપી હતી.