અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સામે અંતે ગુનો નોંધાયો
અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં આપની સભામાં જવાના મુદ્દે લાલાવદર ગામના એક દલિત આગેવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. આ ઘટના બાદ ઓડિયો ક્લિપ વાયરલ થતાં દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ અગાઉ અમરેલી તાલુકાના લાલાવદર ગામના કેટલાક લોકો સુરેન્દ્રનગરમાં આપની સભામાં હાજરી આપવા ગયા હતા. આ બાબતને લઈને લાલાવદર ગામના આગેવાન અને તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ ગામના મહેશભાઈ ઉર્ફે જીગાભાઈ માધડને ફોન પર ગાળો આપી હતી.
ફરિયાદ મુજબ, ધાનાણીએ મહેશભાઈને મા-બહેન સમાણી ગાળો આપી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મહેશભાઈ માધડ અનુસૂચિત જાતિના છે. આ ઘટનાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દલિત સમાજમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. મોડી રાત્રે મહેશભાઈ ઉર્ફે જીગાભાઈ ભાનુભાઈ માધડે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચેતન ધાનાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.