અમરેલીના દામનગરમાં 70 વર્ષના વૃદ્ધાને રખડતા ઢોરે ઢીંકે ચડાવતાં મોત
શહેરના માર્ગો પર રખડતા ઢોરનો અડિંગો છતા તંત્રની કોઇ કાર્યવાહી નહીં!
સમગ્ર અમરેલી જિલ્લાના શહેરી વિસ્તારમા રસ્તા પર અડિંગો જમાવીને બેસતા રેઢીયાર પશુઓનો ભયંકર ત્રાસ છે. અવારનવાર અકસ્માત સર્જી આ પશુઓ માનવ જીંદગી ભરખી રહ્યાં છે. છતા નિભંર તંત્ર કોઇ જ કાર્યવાહી કરતુ નથી. જેને પગલે હવે દામનગરમા 70 વર્ષીય વૃધ્ધાનો ભોગ લેવાયો છે. દામનગરમાં બે દિવસ પૂર્વે વેજનાથનગરમાં ઉજીબેન બટુકભાઈ પ્રજાપતિ ( ઉ.વ.70) રેઢીયાર પશુએ હડફેટે લીધા હતા. જેના કારણે તેમને ઈજા પહોંચી હતી. તેમને ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યા તેમનું અવસાન થયું હતું. રેઢીયાર પશુના કારણે દામનગરમાં એક વૃદ્ધાનું મોત થયું હતું. પરંતુ પાલિકા હજુ સુધી શહેરમાં રેઢીયાર પશુને પકડવાની કાર્યવાહી જ કરી નથી. દામનગરમાં સરદાર ચોક, અજમેરા શોપિંગ, રાભડા રોડ, 21 નાળા, સીતારામનગર પુલ, શાકમાર્કેટ, ભુરખીયા ચોકડી સહિતના વિસ્તારમાં રેઢીયાર પશુઓ રસ્તા પર બેઠા હોય છે. જેના કારણે લોકોને અકસ્માતનો ખતરો રહે છે.
આવી સ્થિતિ માત્ર દામનગરની નથી. અમરેલી શહેરમા પણ આવી જ પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે. શહેરના તમામ મુખ્ય રસ્તા પર પશુ એ હદે અડ્ડો જમાવીને બેસે છે કે કયારેક તો ટ્રાફિક જામ થાય છે. અનેક કિસ્સામા પશુઓ આખો રસ્તો રોકી લેતા હોય બસ કે કાર ચાલકે વાહનમાથી હેઠા ઉતરી પશુઓને દુર ખદેડી બાદમા પોતાનુ વાહન આગળ લઇ જવુ પડે છે. શહેરમા વારંવાર નાના મોટા અકસ્માતો આ પશુઓના કારણે થઇ રહ્યાં છે. પરંતુ પાલિકા ઢોર પકડવાની કોઇ જ કાર્યવાહી કરતુ નથી. રાજુલા, સાવરકુંડલા, ધારી, બગસરા, ચલાલા, વડીયા, બાબરા સહિતના શહેરોમા રસ્તે રઝળતા પશુઓ વારંવાર અકસ્માત સર્જી અવારનવાર લોકોનો ભોગ લઇ રહ્યાં છે. છતા એકપણ શહેરમા પશુઓ પકડવાની કાર્યવાહી થતી નથી.