અમરેલી જિલ્લાના જશવંતગઢમાં ટ્રેકટરની રાપ પરથી પટકાતાં 4 વર્ષના માસુમનું મોત
અમરેલીના જશવંતગઢ ગામે ટ્રેકટર ચલાવતાં પિતાએ ચાર વર્ષના માસુમ બાળકને ટ્રેકટર પાછળ રાપ પર બેસાડયો હતો. ચાલુ ટ્રેકટરે માસુમ બાળક રાપ પરથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. બાળકને સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતાં શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર અમરેલીના જશવંતગઢ ગામે ખેત મજુરી અર્થે આવેલા મધ્યપ્રદેશના જગદીશ મીનાવા નામનો યુવાન ગઈકાલે સવારના ટ્રેકટર ચલાવતો હતો ત્યારે તેના ચાર વર્ષના પુત્ર મહેશ મિનાવાને ટ્રેકટરની રાપ પર બેસાડયો હતો. ચાલુ ટ્રેકટરે મહેશ મિનાવા ટ્રેકટરની રાપ પરથી નીચે પટકાતા માસુમ બાળકનું ગંભીર ઈજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલીક સારવાર માટે અમરેલી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં માસુમ બાળકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક મહેશ મિનાવા ચાર ભાઈમાં નાનો હતો અને ચાલુ ટ્રેકટરે રાપ પરથી પટકાતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.