For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત સહિતના દેશોને અમેરિકાની સલાહ: ડાહી સાસરે ના જાય ને ગાંડીને શિખામણ આપે

01:04 PM Apr 27, 2024 IST | Bhumika
ભારત સહિતના દેશોને અમેરિકાની સલાહ  ડાહી સાસરે ના જાય ને ગાંડીને શિખામણ આપે

અમેરિકા હજુય પોતે જગત જમાદાર હતું ને દુનિયાભરના દેશોને દબડાવતું એ જમાનામાં જ જીવે છે. પોતે કંઈ પણ કહેશે એટલે બીજા દેશો પોતાના પગ પકડતા આવશે એ ભ્રમમાંથી બહાર આવવા જ અમેરિકા તૈયાર નથી ને તેનો તાજો દાખલો ભારતમાં માનવાધિકાર ઉલ્લંઘન અંગે બહાર પડાયેલો રિપોર્ટ છે.અમેરિકાએ ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે એવું કરીને ભારતમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું આળ મૂકીને ભારતને સ્થિતિ સુધારવાની સલાહ આપી છે. મણિપુરથી માંડીને મુસ્લિમો સાથે વ્યવહાર સુધીના મુદ્દે અમેરિકાએ ડહાપણ ડહોળ્યું છે અને ભારતને સૂફિયાણી સલાહ આપી છે.

Advertisement

ભારતે 80 પાનાના આ રિપોર્ટને ખોટો અને ભેદભાવપૂર્ણ ગણાવીને ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તડ ને ફડ કરીને કહી દીધું છે કે, આ રિપોર્ટ દર્શાવે છે કે ભારતને લઈને અમેરિકાની સમજ યોગ્ય નથી તેથી અમે આ રિપોર્ટને કોઈ મહત્ત્વ આપતા નથી. મીડિયાએ પણ એ જ કરવું જોઈએ ને આ રિપોર્ટને મહત્ત્વ ના આપવું જોઈએ.

ભારતનું વલણ યોગ્ય છે કેમ કે અમેરિકા ભારતમાં મણિપુરથી માંડીને મુસ્લિમો સાથે વ્યવહાર સુધીના મુદ્દે માનવાધિકારના ઉલ્લંઘનના જે આક્ષેપો કરે છે એ વાસ્તવમાં ભારતના આંતરિક મુદ્દા છે ને તેને દુનિયાના બીજા દેશો સાથે કોઈ લેવાદેવા નથી. બીજું એ કે, અમેરિકાએ આ રિપોર્ટમાં જે પણ કહ્યું એ બધું પાણીમાંથી પોરા કાઢવા જેવું છે. કોઈ પણ પ્રકારના પુરાવા વિના માત્ર ને માત્ર ખોટી ભ્રમણાઓના આધારે ચિતરામણ કરી દેવાયું છે.

Advertisement

સવાલ એ છે કે, ભારતમાં સરમુખત્યારશાહી વધી છે તો અમેરિકા ભારત સાથેના સંબંધો વધારે મજબૂત બનાવવા કેમ ફાંફાં માર્યા કરે છે? ને આ દાવો એ રીતે પણ હાસ્યાસ્પદ છે કે અમેરિકા આખી દુનિયામાં પોતાના ઈશારે નાચતા સરમુખત્યારોને થાબડે છે, તેમની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરે છે, તેમના અત્યાચારોને ગણકારતી નથી ને અહીં ભારતને સૂફિયાણી સલાહો આપે છે. એ ઉપરાંત, અમેરિકામાં અશ્ર્વેત પ્રજા સામે ભેદભાવનાં અનેક બનાવો સમયાંતરે બહાર આવતા રહ્યા છે. તે ખુદ અંશીય ભેદભાવ અને હેટફાઈલ રોકી શક્યુ ન હોય તો બીજાને સલાહ આપવાનો તેને કોઈ અધિકાર નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement