For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફૂડ પેટમાં પહોંચી ગયા પછી નમૂના, તપાસનું ફૂડ વિભાગનું નાટક

01:12 PM May 21, 2024 IST | Bhumika
ફૂડ પેટમાં પહોંચી ગયા પછી નમૂના  તપાસનું ફૂડ વિભાગનું નાટક
Advertisement

ખાદ્ય પદાર્થના ધંધાર્થીઓએ જે માલ લોકોને વેચાણથી ખવડાવી-પીવડાવી દીધો હોય, એ માલનો નમૂનો લેબોરેટરીમાં ચકાસવાનો મતલબ શું ?!

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચોક્કસ ખાદ્ય પદાર્થો અને પીણાં સહિતના પદાર્થોની ગુણવત્તા ચકાસવાની કામગીરીઓ, અમદાવાદ અને રાજકોટમાં આ પ્રકારની કામગીરીઓ શરૂૂ થઈ ગયાની ખબરો વહેતી થયા બાદ, જામનગરમાં શરૂૂ કરવામાં આવે છે. મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓ આ કામગીરીઓની તસ્વીરો અને કાગળ પરની વિગતો પ્રકાશિત અથવા પ્રચારિત કરવા મીડિયાકર્મીઓને મોકલતાં હોય છે.
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા થોડાં થોડાં સમયે શહેરમાં ખાદ્ય પદાર્થો અને પીણાંઓના નમૂનાઓ લ્યે છે.

Advertisement

આ નમૂનાઓ પેકિંગવાળી ચીજોના પણ હોય છે અને લૂઝ ચીજોના પણ હોય છે. દાખલા તરીકે લૂઝ મરચાંનો હવેજ, આઇસક્રીમ કે શ્રીખંડ જેવી કોઈ ચીજ વેચતા વેપારીને ત્યાંથી આવા કોઈ ખાદ્ય પદાર્થનો નમૂનો કે નમૂનાઓ લેવામાં આવે છે.

બાદમાં સિલિંગ કરી આ નમૂનાઓ નિયમ અનુસાર પરીક્ષણ માટે અમદાવાદ, વડોદરા કે આણંદની સરકારી લેબોરેટરીઓમાં મોકલવામાં આવે છે. આ નમૂનાઓ જે ખાદ્ય પદાર્થમાંથી લેવામાં આવ્યા હોય તે ખાદ્ય પદાર્થ વેચવાની વેપારીને મનાઈ કરવામાં આવતી નથી. આ માલ જપ્ત કરવામાં આવતો નથી.

આથી આ ખાદ્ય પદાર્થના નમૂનાઓ લેબોરેટરીઓમાં પરીક્ષણ માટે ગયા હોય ત્યારે અહીં જામનગરમાં એ વેપારીઓ આ ખાદ્ય પદાર્થ લોકોને વેચાણથી આપી દેતાં હોય છે. લોકો આ ખાદ્ય કે પેય પદાર્થને પોતાના પેટમાં પધરાવી દે છે.

ત્યારબાદ મહિને દોઢ મહિને લેબોરેટરીનો તે નમૂનાઓનો રિપોર્ટ આવે. ધારો કે, રિપોર્ટમાં એવું આવે કે, આ ખાદ્ય કે પેય પદાર્થ કવોલિટીની દ્રષ્ટિએ અયોગ્ય હતો, નબળી ગુણવત્તાનો હતો કે અખાદ્ય અથવા માનવશરીર માટે જોખમી અને નુકસાનકારક હતો.

હવે આ રિપોર્ટ આવે એ અગાઉ તો આ પ્રકારના ખાદ્ય પદાર્થ કે પીણાં લોકોના પેટમાં પહોંચી ગયા હોય, લોકોના શરીરને આ પદાર્થોથી જે નુકસાન થવાનું હોય તે નુકસાન પણ થઈ ચૂક્યું હોય છે !! આ પદ્ધતિ વડે ખાદ્ય કે પેય પદાર્થના નમૂનાઓ લેવાનો કે તપાસવાનો મતલબ શું ?! એ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો અને સંવેદનશીલ છે. જેનો જવાબ કયારેય જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા કે રાજ્ય સરકારે લોકોની જાણ ખાતર પોતાની જાતે જાહેર કર્યો નથી. ટૂંકમાં લોકોના આરોગ્ય પર જોખમ સર્જી શકે એવા ખાદ્ય પદાર્થ અને પીણાં શહેરમાં બિન્દાસ વેચાણ થઈ રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 20મી મે એ સવારે જાહેર કર્યું છે કે, શહેરમાં જુદાં જુદાં ધંધાર્થીઓને ત્યાંથી બાદશાહ, એવરેસ્ટ, હાથી, ડબલ હાથી તથા સુહાના બ્રાન્ડના મસાલાના નમૂનાઓ લેવામાં આવ્યા છે.
હોટેલો અને રેસ્ટોરન્ટોમાં ચેકિંગ કરી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. કેટલાંક ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી સ્વચ્છતા સહિતની બાબતે સૂચનાઓ આપવામાં આવી છે. જે ધંધાર્થીઓ લાયસન્સ વિના ધંધો કરી રહ્યા છે તેઓને લાયસન્સ મેળવવા સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત કેરીના ધંધાર્થીઓને પણ જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement