For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંઘર્ષ અને સફળતાનું સરનામું એટલે ડો.નૂતન ગોકાણી

02:20 PM Jul 03, 2024 IST | Bhumika
સંઘર્ષ અને સફળતાનું સરનામું એટલે ડો નૂતન ગોકાણી
Advertisement

પોરબંદરનો દરિયો બચાવવાનો હોય કે બાલુબા ક્ધયા શાળાને ઊભી કરવાની હોય ડો.નૂતનબેન ગોકાણી હંમેશા તૈયાર હોય

15000 બહેનો સાથે કરેલી ‘આપણા નરેન્દ્રભાઈ લેડીઝ ફેન ક્લબ’ની સ્થાપના દ્વારા ડો.નૂતનબેન ગોકાણીને જીવનમાં એક નવો મુકામ મળ્યો

Advertisement

2007ના વર્ષની વાત છે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા. આ સમયે પોરબંદરમાં ‘આપણા નરેન્દ્રભાઈ લેડીઝ ફેન ક્લબ’ની સ્થાપના કરવામાં આવી. આ ફેન ક્લબમાં 15000 બહેનો જોડાઈ હતી જેમણે મુખ્યમંત્રીને રાખડી મોકલી હતી.આ ફેન ક્લબને એટલો બધો રિસ્પોન્સ મળ્યો કે ત્યારબાદ 26 જિલ્લાઓમાં આ ફેન ક્લબ શરૂ થઈ. બહેનોની ફેન ક્લબનો સીધો ફેર નરેન્દ્ર મોદીની ચૂંટણીની જીતમાં દેખાયો.આ ફેન ક્લબની લોકપ્રિયતા એટલી વધી કે સમગ્ર દેશમાં તેની નોંધ લેવાઈ અને મીડિયા દ્વારા આ સમાચાર નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચ્યા. તેઓએ આ ક્લબની સ્થાપના કરનાર મહિલાને મળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. આ મહિલા એટલે પોરબંદરના ખૂબ જાણીતા, સેવાકીય કાર્ય અને લોકકલ્યાણના કાર્યોમાં આગળ પડતું યોગદાન આપનાર ડો.નૂતન ગોકાણી. આ વાતને યાદ કરતા નૂતનબેને જણાવ્યું કે સૌ પ્રથમ વખત નરેન્દ્રભાઈ મોદીને મળવા જવાનું થયું,રાખડી બાંધી,અનેક વિષય પર વાતચીત થઈ.ત્યારબાદ સાતેક વખત તેઓને મળવાનું બન્યું. દરેક મુલાકાત વખતે ભેટ તરીકે અમે પુસ્તકોની આપ લે કરતા. પોરબંદર આસપાસના વિસ્તારના વિકાસ અંગે પણ અનેક વખતે ચર્ચાઓ કરતા.

આજે વડાપ્રધાન બન્યા બાદ પણ નરેન્દ્ર મોદી પોતાને નામ સાથે ઓળખે છે તેની ખુશી છે. દીકરાના લગ્ન સમયે પણ તેઓએ શુભેચ્છા સાથે પુસ્તકની ભેટ મોકલી હતી.નૂતનબેનનો જન્મ જામનગરમાં, 12 ધોરણ સુધીનો અભ્યાસ પોરબંદર અને ત્યારબાદ બીએએમએસ જામનગર કર્યું. માતા આશાબેન ગોકાણી, પિતા નાથાભાઈ ગોકાણીએ દીકરીને ખૂબ લાડકોડથી ઉછેરી હતી.સાધન સંપન્ન પરિવાર એટલે નાનપણથી ગાડી, બંગલા અને દરેક પ્રકારની જાહોજલાલી હતી પરંતુ નસીબ ક્યારે અવળા પાસા પાડે છે તે કોઈ જાણતું નથી. જામનગરમાં અભ્યાસ દરમિયાન પોતાની પસંદગીથી મહારાષ્ટ્રીયન યુવાન સાથે લગ્ન કર્યા.લગ્ન માટે ભવિષ્યના જે સ્વપ્નાઓ જોયા હતા તેનાથી વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ. પ્રેમના બદલે પીડા અને સ્નેહના બદલે સંઘર્ષ મળ્યો. દીકરાનો જન્મ થયો અને મુશ્કેલીઓની પરાકાષ્ઠા વચ્ચે 22 વર્ષની ઉંમરમાં લગ્ન સંબંધનો અંત આણ્યો.લાગણીઓ છિન્ન ભિન્ન થઈ,ડિપ્રેશન આવ્યું,ફરી થી અધુરો અભ્યાસ પૂરો કર્યો.હિંમત અને બહાદુરીપૂર્વક જીવનની બીજી ઇનિંગ શરૂૂ કરી.

સતત પ્રવૃત્ત રહેવા બીએએમએસ થઈ પ્રેક્ટિસ સાથે એલએલબી કર્યું, જર્નાલિઝમ, હોસ્પિટલ મેનેજમેન્ટ, ફેશન મેનેજમેન્ટ વગેરે કોર્સ કર્યા. એ સમયના લોકપ્રિય અભિનેતા રાહુલ રોય,નમ્રતા શિરોડકર અને સુમન રંગનાથન સાથે ફેશન શો માં પણ ભાગ લીધો. 2002ની સાલમાં ગ્લેડરેગ મિસિસ ઈન્ડિયાના ટોપ 20માં પણ સિલેક્ટ થયા. હતાશાને હરાવવા જાણે હામ ભીડી.સામાજિક અવગણના, આર્થિક ભીડ અને માનસિક પરિસ્થિતિ સામે રીતસર જંગ માંડ્યો. વાસ્તુશાસ્ત્ર, ફેંગ શૂઈ, લામાફેરા, યોગમાયા ક્રિસ્ટલ થેરેપી, કલર થેરેપી વગેરે અનેક થેરેપી શીખ્યા અને દુબઈ જઈ તેને આર્થિક ઉપાર્જનનું સાધન બનાવ્યું. અન્યને મદદ કરવાના નૂતન બેનના ગુણો પુત્ર સિદ્ધાર્થમાં પણ આબેહૂબ આવ્યા છે. દીકરાના વાઇલ્ડ લાઇફ પ્રત્યેના પ્રેમને તેઓ આવકારે છે. અજગર, મગર, પંખીઓને બચાવવાના કાર્યમાં નૂતનબેન પણ સાથ આપે છે. છેલ્લા 17 વર્ષથી આ કામગીરી કરે છે જેમાં અત્યાર સુધીમાં 195થી વધુ રેસ્ક્યુ કર્યા છે. દીકરાના લગ્ન થયા અને પુત્રવધૂ રીતીજ્ઞાના સ્વરૂૂપમાં જાણે દીકરી મળી. તેઓ જણાવે છે કે મકરસંક્રાંતિના દિવસોમાં અમે કોઈ જ પતંગ ઉડાવતા નથી પરંતુ પંખીઓને બચાવવાના કાર્યમાં લાગી જઈએ છીએ આ કાર્યમાં પૌત્રી ધન્યતા સહિતના સહુ કોઈ જોડાય છે.

આમ જીવન પ્રવૃત્તિમય બનતું ગયું. આજે નૂતનબેન ખૂબ સફળ અને સુખમય જિંદગી જીવે છે પરંતુ જિંદગી એ લીધેલ આકરી કસોટીને યાદ કરતા જણાવે છે કે, "ખૂબ ખરાબ સમય આવ્યો પરંતુ કોઈની પાસેથી આર્થિક મદદ લીધી નથી.આદર્શ અને સિદ્ધાંતો સાથે જીવન વિતાવ્યું છે લોકોએ ચારિત્ર પર પણ કાદવ ઉછાળ્યો છે છતાં સચ્ચાઈની જીત થઈ છે. ક્યારેય ખોટું કર્યું નથી તેથી કોઈપણ જાતનો ડંખ અને ડર નથી. ઈમાનદારી અને સિદ્ધાંતો સાથેના જીવનના કારણે આત્મસંતોષ છે. આજે કોઈપણ કાર્ય માટે પોરબંદરના દરેક લોકોનો સાથ મળી રહે છે તેનો આનંદ છે” છેલ્લા થોડા સમયથી ગણપતિ ઉત્સવમાં પણ ગણપતિને વિવિધ શણગાર કરીને એકિઝબિશન કમ સેલ કરે છે. તેઓને હજુ પણ ઘણું કરવું છે. તેમનું સ્વપ્ન છે કે પોરબંદર જિલ્લાની બહેનોનું એક મોટું ગ્રુપ બને જે પોરબંદરની સ્વચ્છતા, શિક્ષણ, ભ્રષ્ટાચાર, પર્યાવરણ વગેરે પ્રશ્નો માટે કામ કરે સાથે સાથે પોતાના વ્યક્તિત્વને પણ ખીલવે.નૂતનબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

WRITTEN BY: Bhavna Doshi

Advertisement
Tags :
Advertisement
Advertisement