For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેન્સિલ, પેપર, પીછી, પરિશ્રમ અને પ્રારબ્ધ વડે મેળવી પ્રતિષ્ઠા

12:38 PM May 15, 2024 IST | Bhumika
પેન્સિલ  પેપર  પીછી  પરિશ્રમ અને પ્રારબ્ધ વડે મેળવી પ્રતિષ્ઠા
Advertisement

પોરબંદરના મીરા રાજપરાએ પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે કલા ક્ષેત્રે કાઠું કાઢી અમદાવાદમાં પરિવાર અને વતનનું નામ રોશન કર્યું

પોરબંદરના દરિયાકિનારે રેતીમાંથી કલાકૃતિ બનાવી ત્યારે એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ પણ હાજરી આપી હતી

Advertisement

નાનું સિટી હોય અને પરિવારનું મોટું નામ હોય ત્યારે અમુક નિયમ પાલનની જવાબદારી પરિવારના દરેક સભ્યો પર આવી જતી હોય છે, આવા પરિવારની દીકરીએ તો થોડા વધુ નિયમોને અનુસરવું પડતું હોય છે.એમાંય જો એ દીકરી કલાકાર બનવા ઈચ્છતી હોય તો અનેક બંધનો સાથે ઉડવા જેવી વાત થાય. એક કલાકાર માટે સૌથી મોટી સ્ટ્ર્રગલ એ હોય છે કે તે જે ઈચ્છે તે ન કરી શકે.દાયકા પહેલાંના સમાજમાં દીકરી કલા કરતા ભણવામાં વધુ રસ લે તેવું મા બાપ પસંદ કરતા હતા.પોરબંદરની એ દીકરી મીરા રાજપરા ચોકસીએ અનેક પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે કલા ક્ષેત્રે કાઠું કાઢ્યું છે અને હાલ અમદાવાદમાં પરિવાર અને વતનનું નામ રોશન કરી રહી છે.

પોરબંદરનો ભરવડિયા પરિવાર કે જે 100 વર્ષથી વધુના સમયથી સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તે પરિવારની દીકરી એટલે મીરા. માતા માલતીબેન અને પિતા કિર્તીભાઇ સહિત ત્રણ બહેનોના પરિવારમાં દીકરી મીરાને અભ્યાસ ઉપરાંત રંગો અને પીછી સાથે પણ દોસ્તી થઈ.નાના ગામમાં વધુ શીખવા તથા પોતાની કલા વ્યક્ત કરવાની મર્યાદા વચ્ચે પેન્સિલ, પેપર અને રંગો તથા પીછી પ્રત્યેની પ્રીત વધુ ગાઢ બની.

પોરબંદરની બાલુબા શાળામાં અભ્યાસ અને ત્યારબાદ કલામાં રસ હોવા છતાં અમુક સંજોગોના કારણે ફાઈન આર્ટસના બદલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાથી આર્કિઓલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું. અભ્યાસ પૂર્ણ થતાં અમદાવાદના ચોકસી પરિવારમાં લગ્ન થયા. નવું વાતાવરણ, નવા લોકો અને નવું શહેર હોવાથી કલાની યાત્રા થોડા સમય માટે થંભી ગઈ પણ પ્રારંભની ધીમી ગતિ બાદ ઘરમાં પતિ ઝુબિન ચોકસી, સાસુ, સસરા, નણંદ દરેકનો આગળ વધવામાં સાથ અને મનગમતી પ્રવૃત્તિ માટે મોકળાશ મળતાં કારકિર્દીને વેગ મળ્યો. પેઇન્ટિંગના રંગો, રો-મટિરિયલ ઘણાં કોસ્ટલી હોય છે તેથી તેઓ હંમેશાં એવું વિચારે છે પોતે જે પેઇન્ટિંગ બનાવે તેનો ખર્ચ પોતે જ કરે.

અમદાવાદમાં પણ ધીમે ધીમે કલાકારોના ગ્રુપ સાથે સંપર્ક થયો. તેઓ ઓઇલ પેઇન્ટિંગ, એક્રેલિક પેઇન્ટિંગ, નાઈફ પેઇન્ટિંગ, આર્ટ પેપર કોલાજ, ટેરાકોટા, સિરામિક, ફાઇબર ગ્લાસ વર્ક મિરર, મેટલ આર્ટ પણ કરે છે.

રિયાલિસ્ટિક, ક્ધટેમ્પરરી, એબસ્ટ્રેક,મોડર્ન આર્ટ, ઇન્ડિયન ક્ધટેમ્પરરી આર્ટમાં પિછવાઈ, મધુબની વગેરે કરે છે. મડ મિરર માટે કચ્છ તળાવની માટી મગાવીને બનાવે છે.આ ઉપરાંત અમદાવાદમાં એક બંગલોમાં સિલિંગમાં સાત બાય સાત ફૂટમાં રાસ લીલા બનાવી હતી. અમદાવાદ પ્રહલાદ નગરમાં રૂફટોપ રેસ્ટોરન્ટમાં 28 ફીટ બાય 7 ફીટ મડ મિરર બનાવ્યું છે જે ખૂબ સુંદર છે. અત્યારના સમયમાં કસ્ટમરની ડિમાન્ડ મુજબ કસ્ટમાઈઝ પણ તેઓ કરી આપે છે તેમની દરેક કલાકૃતિ 10,000થી શરૂ થાય છે.

રાજકોટમાં પણ અનેક નામાંકિત લોકોએ પણ તેમની ઘર અને ઓફિસ માટે કલાકૃતિ બનાવડાવી છે. આ ઉપરાંત કીર્તિ મંદિર, પોરબંદર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઇન્ડિયન એમવેસી પેરિસમાં પણ તેમની કૃતિઓ છે.
તેઓએ વતન પોરબંદરમાં નટવરસિંહજી આર્ટ ગેલેરી, અમદાવાદ ગુફા,કનોરિયા આર્ટ સેન્ટર, ગોવા, જયપુર, અમદાવાદ વગેરે જગ્યાએ એક્ઝિબિશન કરેલ છે આ ઉપરાંત સુરત, અમદાવાદ, પોરબંદર ખાતે વર્કશોપ પણ તેઓએ કર્યા છે. કોલેજના સમયમાં પોરબંદરમાં દરિયાકિનારે રેતીમાંથી કલાકૃતિ બનાવી હતી એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ પણ હાજરી આપી હતી એ અનુભવ યાદગાર છે.

અત્યારના સમયમાં કલા પ્રત્યે લોકોની જાગૃતિ બાબત મીરાબેન જણાવે છે કે, ‘વર્તમાન સમયમાં મધ્યમ વર્ગમાં પણ કલાની જાગૃતિ છે તેઓ પણ પોતાના બજેટ પ્રમાણે ઘરનો એક ખૂણો તો કલાકૃતિ વડે ચોક્કસ સજાવે છે. મોટી ઓફિસ રેસ્ટોરન્ટ તથા હોટલમાં પણ કલા પ્રત્યેની દૃષ્ટિ વિકસી છે જેથી આ બધી જગ્યાએ પણ સારા સારા પેઇન્ટિંગ રાખવામાં આવે છે’. કલા સાથેની તેમની આ યાત્રા હજુ ઘણી આગળ વધવાની છે ત્યારે તેમનું સ્વપ્ન છે કે તેઓ વિશ્વ વિખ્યાત કલાકાર એમ.એફ.હુસેનના લેવલ સુધી કામ કરે. તેમને ક્ધટેમ્પરરી આર્ટ ગમે છે અને કલાના ક્ષેત્રમાં તેમની પોતાની આગવી ઓળખ બનાવવી છે. મીરાબેનને તેમના સ્વપ્ન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

ચાલતા રહો…. આગળ વધતા રહો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે પોરબંદરમાં એક કેટરપિલર ગ્રુપ બનાવ્યું હતું તેનો અર્થ એ થાય છે કે કેટરપિલરની જેમ ધીમી ગતિએ પણ જો તમે આગળ વધતા રહેશો તો તમે જરૂર સફળ થશો.જો તમારે સફળ થવું છે તો તમારા રહેલી આવડત સાથે આગળ વધવું પડશે. દોડી ન શકો તો ચાલો પણ આગળ વધતા રહો. કોઈપણ કામની શરૂઆત ધીમી હશે, સંઘર્ષમય હશે પણ સફળતા સુધી જરૂર પહોંચાડશે. પરિશ્રમથી પીછે હઠ નહીં કરો તો પ્રારબ્ધ જરૂર સાથ આપશે.

writen by: BHAVNA JOSHI

Advertisement
Tags :
Advertisement
Advertisement