લીલિયાના ભેંસાણ નજીક ટ્રેક પર આવી ચડેલા સિંહનું ટ્રેન અડફેટે મોત
અમરેલી જિલ્લામાં સાવજો માટે રેલવે ટ્રેક કાળ મુખો સાબીત થઈ રહ્યો છે. વાંરવાર સિંહો રેલવે ટ્રેક પર આવી ચડે છે જેથી અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે ગત મોડી રાતે લીલીયા દામનગર વચ્ચે ભેસાણ ગામ નજીક એક સિંહ મહુવા-સુરત પેસેન્જર ટ્રેનની અડફેટે આવી ચડ્યો હતો. આ અકસ્માતમાં સિંહને ગંભીરઈજા પહોંચતા તેનું મોત થયું છે.
આ ઘટના બનતા જ લીલીયા વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. લોહિલુહાણ હાલતમાં સિંહે ક્રાકચ એનિમલ કેર સેન્ટરમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓ હોવાને કારણે સિંહનું મોત થયું છે. મોડી રાતે રેલવે ટ્રેક વિસ્તારમાં વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. સિંહ કેવી રીતે ટ્રેક સુધી આવ્યો તેમજ ટ્રેનની સ્પીડ અંગે પણ તપાસ કરવામાં આવશે.
શેત્રુંજી ડીવીઝન ડીસીએફ જયન પટેલે જણાવ્યું કે, રાતે નર સિંહનું પેસેન્જર ટ્રેન સાથે અથડાવાના કારણે મોત થયું છે. હાલ અમારી તપાસ ચાલુ છે. ટ્રેનની સ્પીડ અંગે પણ તપાસ કરીશું. સિંહોના રેલવે ટ્રેક ઉપર વધતા જતા અકસ્માતને લઈ થોડા દિવસો પહેલા હાઇકોર્ટે વનવિભાગ અને રેલવે વિભાગના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.ત્યારે ફરી એક વખત ટ્રેન અકસ્માતમાં સિંહનું મોત થતા દોડધામ મચી છે.