ભાવનગરના નવાબંદર ખાતે ભેખડ ઘસી પડતા મજૂરનું મોત
- માટીના નમૂના લેવાની કામગીરી દરમિયાન બનાવ બન્યો
ગુજરાત મિરર, ભાવનગર તા.22
ભાવનગર નવાબંદર ખાતે સીએનજી પોર્ટ નવનિર્માણ થવાનું હોય તેને લઇને એક કંપની હાલ માટીનું ટેસ્ટીંગ કામ કરી રહી છે જેમાં માટીના નમૂના લેવામાં આવી રહ્યા છે ત્યારે મશીનની સાફટીંગ જમીનમાં ફસાઈ જતા જેને બહાર કાઢવા ખાડામાં ઉતરેલા બે મજુરો ઉપર ભેખડ ધસી પડતા દટાયા હતા જેમાં એક પરપ્રાંતિય મજુરનું ગૂંગળામણથી મોત નિપજ્યું છે.
આ બનાવ ની વિગતો એવી છે કે ભાવનગર નાં નવાબંદર જેટી ખાતે સી.એન.જી.પોર્ટની કામગીરી અંતર્ગત ફુર્ગ જીયો ઇન્ડિયા પ્રા.લી.કં.ના માણસો દ્વારા નવાબંદર ખાતે અત્યાધુનિક મશીનો દ્વારા સોઇલ ટેસ્ટીંગની (માટીના નમુના લેવા)ની કામગીરી ચાલતી હતી તે વેરા એ મશીનો દ્વારા ખાડા ખોદવામાં આવ્યા હતા. જેમાં મશીન ફસાઈ જતા જેને બહાર કાઢવા રવિન્દરસિંગ મહેન્દ્રસિંગ બીસ્ટ (ઉ.વ.24 રહે. મુળ ઉતરાખંડ, હાલ ભાવનગર) ખાડામાં ઉતર્યો હતો જે વેળાએ મજુર ઉપર ભેખડ પડતાં મજુરનું ગુંગળામણથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના બાદ મૃતક યુવકને પી.એમ. માટે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો . આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.