For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવાગામના યુવાનનાં મોત મામલે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાશે

04:06 PM Jul 11, 2024 IST | admin
નવાગામના યુવાનનાં મોત મામલે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાશે

બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મૃતક ઉપર પાછળથી મોબાઈલનો ઘા કરતાં જીવલેણ નિવડયો

Advertisement

શહેરના સંતકબીર રોડ પર ગોકુલનગરમાં રહેતા યુવાનનું બે માસ પૂર્વે હાર્ટએટેકથી મોત થયાનું માની અંતિમ વિધી કરી નાખવામાં આવી હોય જે બનાવમાં મૃતકના પરિવારજનોએ સીસીટીવી ફુટેજ તપાસતા આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યા બાદ આ મામલે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સમક્ષ મૃતકના પરિવારજનોએ કરેલી રજૂઆત બાદ તપાસ બાદ આ મામલે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. મૃતક યુવાન અને તેના મિત્ર સાથે થયેલી બોલાચાલી બાદ ગોડાઉનની બહાર નીકળતી વેળાએ મૃતક યુવાન ઉપર મોબાઈલનો છુટો ઘા તેના મિત્રએ કર્યો હોય અને ત્યારબાદ આ યુવાન થોડીક ક્ષણોમાં ઢળી પડયો હતો. માથામાં મોબાઈલ વાગવાથી હેમરેજને કારણે આ યુવાનનું મોત થયું હોય જે તે વખતે આ મામલે હાર્ટએટેકથી મોત થયાનું માની પોલીસે આકસ્મીક મોતની કાર્યવાહી કરી હતી. પરંતુ હવે આ મામલો સાપરાધ મનુષ્યવધનો બહાર આવતાં ગુનો નોંધાશે.

મળતી વિગતો મુજબ, સંતકબીર રોડ પર ગોકુલનગર-1માં રહેતા હર્ષિલ કમલેશ મોરી (ઉ.27) ગત તા.1-5-2024ના રોજ નવાગામ ખાતે આવેલા ગોડાઉનમાં હતો ત્યારે ગોડાઉનની બહાર નીકળતી વેળાએ તે બેભાન થઈ ઢળી પડતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા બાદ તેનું મોત થયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો હાર્ટએટેકથી મોતનો હોવાનું માની પોલીસે તે અંતર્ગત કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં મૃતકની માતા કમળાબેન અને તેના પિતા કમલેશભાઈ મોરીએ પોતાનો પુત્ર તંદુરસ્ત હોવા છતાં હાર્ટએટેકથી કઈ રીતે મોત થાય તે માનવા તૈયાર ન હતાં અને જ્યાં બનાવ બન્યો તે ગોડાઉનના માલીક શિવજી પાસેથી સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતાં સીસીટીવીમાં હર્ષિલ ઉપર તેના જ સાથે નોકરી કરતાં મિત્રએ પાછળથી કોઈ વસ્તુનો ઘા કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલના બે માસ બાદ મૃતકના પરિવારજનોએ પોલીસ કમિશ્નરને મળી આ બાબતે રજૂઆત કરી હતી. બીજી તરફ મૃતકના પીએમ રિપોર્ટમાં હેમરેજથી મોત થયાનો તબીબોએ અભિપ્રાય આપ્યો હાયે જે તે વખતે હર્ષિલ નીચે પડી ગયો હોય ત્યારે હેમરેજ થયાનું કુવાડવા પોલીસે પણ માની લીધું હતું.

Advertisement

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સમક્ષ કરેલી આ રજુઆત બાદ તપાસના આદેશ કરવામાં આવતાં અને સીસીટીવી ફુટેજના આધારે હર્ષિલ ઉપર પાછળથી તેના મિત્રએ મોબાઈલનો ઘા કર્યો હોય જે માથામાં વાગવાથી તેનું બ્રેન હેમરેજથી મોત થયાનું પુરવાર થયું હતું. આ મામલાને લઈને કુવાડવા પોલીસની કામગીરી ઉપર પણ શંકાઓ ઉભી થઈ છે. પોલીસ કમિશ્નરે તપાસના આદેશ આપ્યા બાદ કુવાડવા પોલીસની બેદરકારી પણ સામે આવી છે. ત્યારે હવે આ ઘટના અંગે મૃતક હર્ષિલના મિત્ર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. હર્ષિલ અને તેના મિત્ર વચ્ચે મોબાઈલના ચાર્જર બાબતે માથાકુટ થઈ હતી. અને વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં મોબાઈલનો હર્ષિલ ઉપર કરાયેલો ઘા જીવલેણ સાબિત થયો હતો.

બનાવના સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે એકત્રિત કરતી પોલી, પીએમ રિપોર્ટમાં હેમરેજનો ઉલ્લેખ

અમને ન્યાય નહીં મળે તો આપઘાત કરી લેશું : મૃતકના માતા
નવાગામના યુવાનના શંકાસ્પદ મોત મામલે પરિવારજનો બે મહિનાથી પોલીસ મથકમાં ન્યાય માટે રઝડપાટ કરી રહ્યા છે તેમજ કુવાડવા પોલીસ મથકમાં પણ અનેક વખત મૃત્યુનું કારણ જાણવા ગયા હતાં. પરંતુ પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો અને હાર્ટએટેકથી મૃત્યુ નિપજ્યાનું જણાવવામાં આવતું હતુ અને છેલ્લા દસેક દિવસથી ધક્કા ખવડાવવામાં આવતાં હતાં. ત્યારે આજે મૃતકના માતા કમળાબેને રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે અમને ન્યાય નહીં મળે તો અમે આપઘાત કરી લેશું અને જવાબદારોના નામ ચીઠ્ઠીમાં લખતા જઈશું. જો કે આ નિવેદન બાદ પોલીસ એકશનમાં આવી હતી અને મૃતકના પરિવારજનોને સાંભળી ત્વરીત પગલાં લેવા જણાવ્યું હતું.

બે માસ સુધી બનાવ છુપાવવાના પ્રયાસ કરનાર કુવાડવા પોલીસ સામે તોળાતા પગલાં
નવાગામના એક ગોડાઉનમાં બનેલી ઘટના અંગે કુવાડવા પોલીસે બે મહિના સુધી આ બનાવમાં સત્ય હકીકત જાણવ્યા વગર હાર્ટએટેકથી મોત થયાનું માની હર્ષિલ મોરીના પરિવારજનોને સીસીટીવી ફુટેજ દેખાડી આ ઘટના આકસ્મીક મોતની હોવાનું પરિવાર કરી દીધું હતું. પરંતુ મૃતકના માતા પિતાએ ગોડાઉનના સીસીટીવી ફુટેજ મેળવી બે મહિના બાદ સત્ય ઉજાગર કરતાં હવે આ મામલાને લઈને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને હર્ષિલના મોત અંગે તટસ્થ તપાસ નહીં કરનાર કુવાડવા પોલીસ મથકના સમગ્ર સ્ટાફ સામે ખાતકીય પગલાં ભરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement