પોલીસ ફરિયાદ કરતા પરિવાર ઉપર ઘરમાં ઘૂસી હુમલો તોડફોડ
આકાશદીપ સોસાયટીનો બનાવ : દિવાળી પર્વમાં સળગતો ફટાકડો ઘરમાં નાખી ઝઘડો કરતા ગુનો નોંધાયો’તો
શહેરમાં દૂધ સાગર રોડ ઉપર હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે આવેલી આકાશદીપ સોસાયટીમાં રહેતા પરિવાર ઉપર પોલીસ ફરિયાદનો ખાર રાખી ચાર શખ્સોએ ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો જેમાં યુવતીને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે આકાશદીપ સોસાયટીમાં રહેતી મહેંદીબેન મોહમદભાઈ જુણેજા નામની 19 વર્ષની યુવતી રાત્રિના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતી ત્યારે હિરલ, રોહિત અને કાજલ સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલી યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો મહેંદીબેન જુણેજાની માતા નજમાબેન જુણેજાએ જણાવ્યું હતું કે હુમલાખોર શખ્સો દિવાળીના પર્વમાં ફટાકડા ફોડતા હતા તે દરમિયાન તેમના ઘરમાં સળગતો ફટાકડો નાખ્યો હતો જે અંગે બોલાચાલી થતા હુમલાખોર શખ્સોએ ઝઘડો કર્યો હતો જે અંગ નજમાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે પોલીસ ફરિયાદનો ખાર રાખી હુમલાખોર શખ્સો અવાર નવાર ધમકી આપતા હતા. અને ગઈ કાલે રાત્રે ઘરમાં ઘુસી પરિવાર ઉપર હુમલો કર્યો હતો જેમાં મહેંદીબેન જુણેજા અને તેની માતા નજમાબેનને ઇજા પહોંચી હોવાનું જણાવ્યું હતું આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.