For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજી નજીક કાર પુલ નીચે ખાબકતા ત્રણ મહિલા સહિત 4નાં મોત

11:39 AM Apr 10, 2024 IST | Bhumika
ધોરાજી નજીક કાર પુલ નીચે ખાબકતા ત્રણ મહિલા સહિત 4નાં મોત

Advertisement

  • માંડાસણમાં યોજાયેલ સોમયજ્ઞમાંથી ધોરાજીનો પટેલ પરિવાર પરત ફરતો હતો ત્યારે કારનું ટાયર ફાટતા રેલિંગ તોડી કાર 50 ફૂટ નીચે નદીમાં ખાબકી
  • ધોરાજી ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, તેના પત્ની, પુત્રી અને સાળીને રસ્તામાં કાળે આંતર્યા, પટેલ સમાજમાં ઘેરો શોક

રાજકોટ ધોરાજી હાઇવે પર અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવે છે.ત્યારે આજે સવારે ધોરાજી પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ભાદર પુલ ઉપરથી કાર નીચે પડતા એક જ પરિવારના ચાર ના મોત થયા છે.આ પરિવાર ધોરાજીનો હોવાનું જાણવા મળી રહ્યું છે.પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે ઉપર ભાદર નદીના પુલ ઉપર અચાનક કાર નું ટાયર ફાટતા કાર ચાલકે કાબૂ ગૂમાવી દેતા કાર ભાદર નદીના પૂલ નીચે નદીમાં પડતા કારમાં બેઠેલા ચાલક અને ત્રણ મહિલાના ડૂબી જવાથી મોત થયા હતા.આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.તેમજ તરવૈયાઓએ ચારેયના મૃતદેહો બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ,ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ધોરાજી ભાજપના પૂર્વ ઉપપ્રમુખ દિનેશભાઈ દામજીભાઈ ઠુમ્મર(ઉ.46) તેઓ પરિવાર સાથે ઉપલેટા નજીક આવેલા માંડાસણ ગામ ખાતે સોમયજ્ઞમાં ગયા હતા.ત્યાં દર્શન કરી અને ત્યારબાદ ત્યાંથી પરિવાર સાથે પોતાની કાર ચલાવી પરત ફરતા હતા.ત્યારે ધોરાજી નજીક પહોંચતા ભાદર નદીના પુલ પાસે અચાનક જ ડાયરેક્ટ કારનું ટાયર ફાટતાં ચાલક દિનેશભાઈએ કાબૂ ગૂમાવી દીધો હતો અને કાર પલટી મારીને પુલની રેલિંગ તોડી ભાદર નદીમાં ખાબકતા કારની અંદર ચાલક તરીકે દિનેશભાઈ દામજીભાઈ ઠુંમર,તેમના પત્ની લીલાવંતીબેન દિનેશભાઇ ઠુંમર,દીકરી હારીકા દિનેશભાઇ ઠુંમર (ઉ.વ.રર) અને તેમના સાઢુભાઈના ધર્મપત્ની સ્વાતીબેન પ્રવિણભાઇ કોયાણી (ઉ.વ.પપ)ના ડૂબી જવાથી કમકમાટી ભર્યા મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

આ ઘટનાને પગલે તાત્કાલિક ધોરાજી તાલુકા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી.આ તમામના મૃતદેહો બહાર કાઢવા માટે ત્યાંના સ્થાનિક તરવૈયાઓએ નદીમાં છલાંગ લગાવી ચારેય વ્યક્તિના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.આ અંગે ચારેય મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં પણ લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા.આ બનાવ અંગેની જાણ થતાં જ ધોરાજીના તાલુકા પી.એસ.આઇ વિક્રમસિંહ જેઠવા અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.આ ગોઝારા અકસ્માતને લઈ મૃતકોના પરિવારની સાથે સાથે સમગ્ર ધોરાજી પંથક અને આસપાસનાં ગામોમાં પણ શોકનો માહોલ છવાયો છે.

મોટી પાનેલીના માંડાસણમાં સોમયજ્ઞમાં વિરાટ જ્યોતના દર્શન કરી પરિવાર પરત ફરતો હતો

મોટી પાનેલીથી પાંચ કિલોમીટર દૂર જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં વિરાટ સોમયજ્ઞનું દિવ્ય આયોજન પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમુદાય દ્વારા હાલ ચાલી રહ્યું છે.અતિ અલૌકિક શ્રી અગ્નિષ્ટોમ સોમયજ્ઞ પૌરાણિક વૈદિક પરંપરા સાથે ચાલી રહ્યો છે.દરરોજ વિશાળ સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે ત્યાં વૈદિક પરંપરા મુજબ પૌરાણિક શાષા વિધિ અનુસાર સોમયજ્ઞનું સંચાલન વૈષ્ણવાચાર્ય શ્રી હરિરાયજી મહોદયજી દ્વારા દિવ્ય રીતે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મૃતક પરિવાર પણ ત્યાં વિરાટ જ્યોતના દર્શન કરી પરત ફરતો હતો ત્યારે આજે ભાદર નદીના પુલ પર કારનું ટાયર ફાટતા અચાનક કાર નદીમાં ખાબકી હતી.

મૃતક દિનેશભાઈ ધોરાજી શહેર ભાજપમાં પૂર્વ ઉપપ્રમુખ હતા

સ્થાનિક સૂત્રોમાંથી માહિતી મળી હતી કે,દિનેશ ઠુમર એકદમ સરળ અને મળતાવડા સ્વભાવના હતા.તેઓ ધોરાજી શહેર ભાજપમાં પૂર્વ ઉપપ્રમુખ હતા અને તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.દિનેશભાઈ તેમના પત્ની અને પુત્રીના મૃત્યુથી ધોરાજી પંથકમાં પણ શોક છવાયો છે.આજે સાંજે તેમના ઘરે મૃતદેહોને લાવતા લોકોના ટોળાં એકત્ર થયા હતા.

મૃતક હાર્દિકાની થોડા સમય પૂર્વે જ સગાઈ થઈ હતી

મૃતક હાર્દિકાબેન ઠુંમર (ઉ.20)ની થોડા સમય પૂર્વે જ સગાઈ કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.જયારે મરનાર દંપતીનો પુત્ર વડોદરા ખાતે અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતમાં મરનાર દિનેશભાઈ ઠુંમરે બીજા લગ્ન કર્યા હતા.તેમના પ્રથમ પત્ની અગાઉ મૃત્યુ પામ્યા હતા.અકસ્માતની આ ઘટનામાં તરવૈયાઓ ખડેપગે રહ્યા હતા.આ ઘટના અંગે વડોદરા રહેતા તેમના પુત્રને જાણ કરતા તે ધોરાજી આવવા રવાના થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement