કલ્યાણપુરના રાવલ ગામે એસિડ પી જતા 15 વર્ષની તરુણીનું મોત
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા સુકાભાઈ ગંધાભાઈ ગામી નામના 38 વર્ષના કોળી યુવાનની 15 વર્ષની પુત્રી આશાબેનએ બુધવાર તારીખ 6 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર એસિડ પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ આશાબેનને મૃત જાહેર કરી હતી. આ બનાવની જાણ મૃતકના પિતા સુકાભાઈ કોળીએ કલ્યાણપુર પોલીસને કરી છે.
અન્ય એક બનાવમાં કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારની આશરે 15 વર્ષની પુત્રી પટેલકા ગામે રહેતા રાયદે સામત ભોચીયા નામના શખ્સના ઘરે દૂધ-છાશ લેવા માટે જતી હતી, ત્યારે ઉપરોક્ત આરોપી રાયદે સામત ભોચીયાએ સગીરાની શારીરિક છેડતી કરી, નિર્લજ્જ હુમલો કર્યો હોવાનું ખુલવા પામ્યું છે.
આ બનાવ અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે રાયદે સામત ભોચીયા સામે આઈપીસી કલમ 354 (એ) તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સી.પી.આઈ. આર.બી. સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.