"ધ ફેમિલી મેન-3”ની આતુરતાનો અંત, 21 નવેમ્બર પ્રીમિયર ડેટ
મનોજ બાજપાઈની લોકપ્રિય વેબ સિરીઝની ત્રીજી સીઝન માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. છેલ્લા એક વર્ષથી એવી ચર્ચાઓ અને અહેવાલો પણ હતા કે ત્રીજી સીઝન દિવાળી 2025 આસપાસ રિલીઝ થશે. હવે અંતે પ્રોમો સાથે રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. 21 નવેમ્બરે નવી સીઝન આવી રહી છે.
બીજી સીઝનના અંતમાં જ ત્રીજી સીઝનમાં નોર્થ ઇસ્ટની સ્ટોરી હશે તેની ઝલક આપી દેવાઈ હતી ત્યારથી આ સીઝનના રાહ જોવાતી હતી, હવે એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા તારીખ જાહેર કરી દેવાઈ છે. પ્રાઇમ વીડિયોના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પ્રોમો શેર કરીને લખાયું હતું લે લાડલે, હો ગયા શ્રીકાંત કા કમબેક ધ ફેમિલીમેન ઓન પ્રાઇમ, નવેમ્બર 21 પેજ પર શેર કરાયેલા પ્રોમોના વીડિયોમાં દર્શાવાયું છે કે, આગળની સીઝન પછી ચાર વર્ષ વીતી ગયા છે.
સુચિત્રા તિવારી તરીકે પ્રિયામણી નવી સીઝનનો પરિચય આપે છે. જ્યારે શ્રીકાંત તિવારી આઆઆ...ના આલાપ સાથે કશુંક નવું શીખવાની કોશિષ કરતો દેખાય છે, જેમાં ક્યારેક તે ગીત ગાતો તો ક્યારેય બૂમ પાડતો દેખાય છે. આ સિવાય પ્રિયામણી કહે છે, ચાર વર્ષમાં તેની દિકરી કોલેજમાં આવી ગઈ છે અને દિકરો હવે બેલે શીખવા માંડ્યો છે. સાથે જ શ્રીકાંત તિવારી ઘરના કામોમાં મદદ કરતો પણ દેખાય છે. અંતે પ્રોમોના અંતમાં શ્રીકાંત કહે છે, આ રહા હું..