તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર લલિત મનચંદાનો આપઘાત
36 વર્ષીય એકટર આર્થિક સંકળામણમાં હોવાનો દાવો
લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા લલિત મનચંદાનું નિધન થયું છે. તે 36 વર્ષનો હતો. અહેવાલો અનુસાર, લલિતે આત્મહત્યા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે તે ઉત્તર પ્રદેશના મેરઠમાં તેના ઘરે હતો. પોલીસને ટાંકીને અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે લલિત મનચંદાનો મૃતદેહ તેના ઘરની અંદર લટકતો મળી આવ્યો હતો. જોકે, અભિનેતા પાસે કોઈ સુસાઈડ નોટ મળી હોવાની કોઈ માહિતી નથી.
સ્થાનિક મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર, લલિત મનચંદા છેલ્લા કેટલાક મહિનાઓથી માનસિક તણાવ અને અંગત સમસ્યાઓથી પીડાતા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે આર્થિક મુશ્કેલીમાં પણ હતો.લલિત મનચંદાએ માત્ર ટીવી શોમાં જ નહીં પરંતુ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ભલે તેમની ભૂમિકાઓ નાની હતી, પણ તે યાદગાર રહી. અહેવાલ મુજબ, લલિત મનચંદા પણ એક વેબ સિરીઝ પર કામ કરી રહ્યા હતા.