કોલ કિંગની ભૂમિકામાં જોવા મળશે સની દેઓલ
સની દેઓલ અને દિગ્દર્શક અનિલ શર્માએ સાથે મળીને 2023માં ગદર-2 સાથે ઇતિહાસ રચ્યો હતો. હવે આ જોડી ગદર-3 પણ બનાવશે. જોકે રિપોર્ટ પ્રમાણે સની દેઓલ અને અનિલ શર્માની જોડી ગદર-3 સિવાય એક બિગ બજેટ ઍક્શન-ડ્રામા ફિલ્મ કોલ કિંગ બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે.
રિપોર્ટ પ્રમાણે અનિલ શર્મા અને સની દેઓલ છેલ્લાં બે વર્ષથી ઘણા નવા વિચારો પર ચર્ચા કરી રહ્યા છે. તેમને બન્નેને એક સ્ટોરી ગમી છે જે કોલસા-માફિયાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મનું નામ ‘કોલ કિંગ’ છે અને એમાં સની દેઓલ એક નવા અવતારમાં જોવા મળશે. આ ખાસ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે અને હાલમાં સંવાદોનું કામ ચાલી રહ્યું છે.
આ ફિલ્મ વિશે અનિલ શર્માની એક નજીકની વ્યક્તિએ વિશેષ માહિતી આપતાં કહ્યું હતું કે ફિલ્મ કોલ કિંગમાં સની દેઓલ સાથે રશ્મિકા મંદાના લીડમાં જોવા મળશે. ફિલ્મમાં પ્રશાંત બજાજ એક મહત્ત્વની ભૂમિકામાં હશે. પ્રશાંતે અગાઉ સની સાથે જાટ ફિલ્મમાં કામ કર્યું હતું અને તેનું પાત્ર આ ફિલ્મમાં નોંધપાત્ર ઊંડાણ અને સ્ક્રીન-પ્રેઝન્સ ધરાવશે. આ ફિલ્મ એક હાઈ-ઑક્ટેન ડ્રામા હશે.