કિંગના સેટ પર શાહરૂખ ખાન ઘાયલ, સારવાર માટે અમેરિકા જવા રવાના
શાહરુખ ખાન તેની આગામી ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ સમાચાર છે કે અભિનેતા સેટ પર ઘાયલ થયો છે. અભિનેતા તેની ટીમ સાથે સારવાર માટે અમેરિકા રવાના થઈ ગયો છે.
બોલિવૂડના કિંગ શાહરુખ ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘કિંગ’ માટે સમાચારમાં છે. અભિનેતા તેની ફિલ્મો માટે ખૂબ જ મહેનત કરે છે. તે દરેક દ્રશ્ય જાતે કરવામાં વધુ માને છે. ઘણી વખત આ કારણે તે ઘાયલ પણ થાય છે. ફરી એકવાર કિંગ ખાન આગામી એક્શન ફિલ્મ ‘કિંગ’માં એક એક્શન સીનનું શૂટિંગ કરતી વખતે ઘાયલ થયો છે. 59 વર્ષીય શાહરુખ ખાન મુંબઈના ગોલ્ડન ટોબેકો સ્ટુડિયોમાં કેટલાક જબરદસ્ત એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન, તે અકસ્માતમાં ઘાયલ થયો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈજાના સમાચાર ગુપ્ત રાખવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ શાહરુખ તેની ટીમ સાથે તાત્કાલિક તબીબી સહાય માટે અમેરિકા રવાના થઈ ગયો છે. ઈજા બહુ ગંભીર નથી, પણ સ્નાયુઓ ખેંચાઈ ગયા છે. શાહરુખે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટંટ કરતી વખતે ઘણી વખત પોતાના શરીરને મુશ્કેલીમાં મૂક્યું છે.
સૂત્રએ એમ પણ જણાવ્યું છે કે સર્જરી પછી શાહરુખને કામમાંથી એક મહિનાનો બ્રેક લેવાનું કહેવામાં આવ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કિંગનું આગામી શેડ્યૂલ હવે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં શરૂૂ થશે. કારણ કે શાહરુખને સ્વસ્થ થવા માટે થોડો સમય આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા પછી, તે સેટ પર પાછો ફરશે.
કિંગના ઘણા ભાગો જુલાઈથી ઓગસ્ટ દરમિયાન ફિલ્મ સિટી, ગોલ્ડન ટોબેકો અને ઢછઋમાં શૂટિંગ કરવાના હતા, જેના માટે બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે વધુ માહિતી મળે ત્યાં સુધી તમામ બુકિંગ રદ કરવામાં આવ્યા છે.