22 વર્ષ બાદ રાધેના અવતારમાં જોવા મળશે સલમાન ખાન, ‘તેરે નામ’ની સિક્વલ બનશે
22 વર્ષ પહેલા રિલીઝ થયેલી ‘તેરે નામ’ ફિલ્મ સલમાન ખાનની કરિયરની સૌથી શ્રેષ્ઠ ફિલ્મો પૈકી એક છે. આ ફિલ્મ લોકોને ખૂબ જ ગમી હતી. સલમાન ખાન અને ભૂમિકા ચાવલા સ્ટારર આ ફિલ્મના ગીતો અને સંગીત આજે પણ લોકોને સાંભળવા ગમે છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, સાજિદ નડિયાદવાલા ‘તેરે નામ’ ફિલ્મની સિક્વલ પર કામ કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ, હવે સાજિદ નડિયાદવાલા ઑરિજિનલ ફિલ્મના પ્રોડ્યુસર સુનિલ મનચંદા અને મુકેશ તલરેજા સાથે ફ્રેન્ચાઈઝી રાઈટ્સ ખરીદવા માટે વાટાઘાટો કરી રહ્યા છે.
‘તેરે નામ’ની સિક્વલમાં સાજિદ નડિયાદવાલા અન્ય કોઈ અભિનેતાની જગ્યાએ સલમાન ખાનને જ કાસ્ટ કરવાનું વિચારી રહ્યા છે. જો કે સલમાન ખાનની સામે સિક્વલમાં કોઈ નવી એક્ટ્રેસને તક મળી શકે છે. એકવાર લીગલ અને ફાઈનાન્સિયલ પ્રોસેસ પૂર્ણ થયા બાદ સલમાન ખાનને કાસ્ટ કરવામાં આવશે અને પછી ડિરેક્ટરનું પણ એલાન કરાશે. હાલ તો કામચલાઉ સ્ક્રિપ્ટ ઉપર કામ ચાલી રહ્યું છે.
