ઓપરેશન ખુકરીમાં મેજર રાજપાલ પુનિયાની ભૂમિકા ભજવશે રણદીપ હૂડા
રણદીપ હૂડા જાટની સફળતા બાદ હવે નેક્સ્ટ ફિલ્મમાં ભારતીય સેનાના એક બહાદુરીભર્યા મિશનને ફિલ્મના પડદા પર ન્યાય આપશે. આ ફિલ્મનું નામ છે ઑપરેશન ખુકરી. આ ફિલ્મ વાસ્તવિક જીવનમાં બનેલી ઘટના છે.
આ ફિલ્મ 2000માં પશ્ચિમ આફ્રિકાના એક દેશ સિએરા લિયોનમાં હાથ ધરાયેલા એક વાસ્તવિક સૈન્ય-અભિયાન પર આધારિત છે. અહીં ભારતીય સેનાના 233 જવાનોને બળવાખોર દળોએ બંધક બનાવ્યા હતા.
આ મિશન ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલાં સૌથી ખતરનાક અને બહાદુરીભર્યાં અભિયાનોમાંનું એક માનવામાં આવે છે. ફિલ્મમાં રણદીપ હૂડા મેજર જનરલ રાજપાલ પુનિયાની ભૂમિકા ભજવશે. મેજર જનરલ રાજપાલ પુનિયા મિશનના સમયે 14મી મેકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીના કંપની કમાન્ડર હતા અને આ મિશનનું નેતૃત્વ કરી રહ્યા હતા.
રણદીપ હૂડાએ પોતાની આગામી ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું હતું કે આ ફિલ્મની વાર્તા ફક્ત હથિયારો અને યુદ્ધની નથી પણ બહાદુરી, બલિદાન અને ભાઈચારાની છે. આ મારા માટે ગર્વની વાત છે કે હું એવા યોદ્ધાની ભૂમિકા ભજવી રહ્યો છું જેણે 75 દિવસ સુધી દુશ્મનો વચ્ચે ફસાયેલા જવાનોને ન માત્ર જીવતા બહાર કાઢ્યા, પરંતુ ભારતના સૈન્ય ઇતિહાસમાં એક મહત્ત્વનું ચેપ્ટર લખ્યું.