‘કચ્છ એક્સપ્રેસ’ ત્રણ નેશનલ એવોર્ડ મેળવનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની
માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ
70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતની ફિચર ફિલ્મ કચ્છ એક્સપ્રેસને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મ એવોર્ડ મળ્યો છે. મહિલા સશક્તીકરણનો મુદ્દો મજબૂત રીતે રજૂ કરતી આ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી હતી. આ ફિલ્મના નિર્માતા સોલ સૂત્ર એલએલપી છે તેમજ દિગ્દર્શનક વિરલ શાહ છે.
તેઓને રૂૂ.2 લાખ રોકડ પુરસ્કાર જાહેર થયો છે. જ્યારે આ સાથે કચ્છ એક્સપ્રેસની મુખ્ય ભૂમિકામાં રહેલી અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો એવોર્ડ જાહેર થયો છે. જેમને શેરિંગમાં રૂૂ. 2 લાખનો પુરસ્કાર તેમજ રજત કમલ એનાયત થશે.
આ ઉપરાંત, કચ્છ એક્સપ્રેસ ફિલ્મ માટે શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનરનો એવોર્ડ નિકી જોશીના ફાળે ગયો છે. આ માટે નિકી જોશીને રૂૂ.2 લાખ રોકડ પુરસ્કાર અને રજત કમલ પ્રદાન કરાશે.
આમ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનરનો એવોર્ડ મળ્યો છે અને આ સાથે કચ્છ એક્સપ્રેસ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ત્રણ એવોર્ડ મેળવાનરી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે.