મને સુપરસ્ટારની જરૂર નથી, મારો સ્ટાર AIથી બનાવીશ: શેખર કપૂર
માસૂમ, મિસ્ટર ઇન્ડિયા અને પબેન્ડિટ ક્વીન જેવી યાદગાર ફિલ્મો આપનાર ડિરેક્ટર શેખર કપૂર ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તેમણે ફિલ્મસ્ટાર્સ તેમ જ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) માટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આવનારા સમયમાં કોઈ સુપરસ્ટારની જરૂૂર નહીં પડે, કારણ કે તેઓ AIની મદદથી પોતાનો આગવો સ્ટાર તૈયાર કરી શકે છે.
શેખર કપૂરે WAVES 2025ના કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે હવે ઍક્ટર માત્ર ઍક્ટર રહી જશે, કારણ કે AI સ્ટાર્સ બનાવશે. હું એવું AI કેરેક્ટર બનાવી શકું છું જે સુપરસ્ટારની જેમ કામ કરશે અને એના પર મારો કોપીરાઇટ હશે. આજકાલ કેટલાક એવા ઇન્ફ્લુએન્સર છે જે સાચા માણસો નથી અને AIએ તેમને બનાવ્યા છે. મારે શાહરુખ કે અમિતાભની જરૂૂર નહીં પડે, કારણ કે હું મારો આગવો સ્ટાર તૈયાર કરી શકીશ.
આ વાતચીત દરમ્યાન શેખર કપૂરે AI મામલે ચેતવણી પણ આપી અને કહ્યું કે AIની રચનાત્મક દુનિયા એવા લોકોને વધારે પાવર આપશે જે અત્યાર સુધી હાંસિયામાં ધકેલાયેલા હતા. જોકે મશીનો પર જરૂૂર કરતાં વધારે આધાર રાખવાની આદત ખતરનાક સાબિત થઈ શકે છે. વ્યક્તિની સૌથી મોટી તાકાત તેની ભાવના છે અને AI એને સંપૂર્ણ રીતે ક્યારેય નહીં સમજી શકે.