દેશભક્તિ સાથે મનોરંજન: મનોજ કુમારનું સીનેજગતમાં યોગદાન અનેરું
હિન્દી ફિલ્મોના દિગ્ગજ એક્ટર અને દેશપ્રેમની ફિલ્મો બનાવીને ભારત કુમારનું બિરુદ હાંસલ કરનારા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું છે. લાંબા સમયથી બીમાર મનોજ કુમાર વરસોથી ફિલ્મ જગતથી દૂર હતા તેથી નવી પેઢી તેમનાથી બહુ પરિચિત નથી પણ એક જમાનામાં મનોજ કુમારની ગણના દેશના ટોચના અભિનેતાઓમાં થતી. મનોજ કુમારને કદી જ્યુબિલ કુમાર રાજેન્દ્ર કુમાર જેવી સફળતા ના મળી કે અમિતાભ બચ્ચન કે રાજેશ ખન્નાની જેમ સુપરસ્ટારનું બિરુદ પણ ન મળ્યું પણ હિન્દી ફિલ્મ જગતમાં તેમણે પોતાનું એક આગવું સ્થાન ઊભું કર્યું હતું તેમાં કોઈ શક નથી. શહીદ, ઉપકાર, પૂરબ ઓર પશ્ચિમ, રોટી, કપડા ઔર મકાન, ક્રાંતિ વગેરે દેશપ્રેમની ફિલ્મો દ્વારા ભારતીય સિનેમામાં ’ભારત કુમાર’ તરીકે જાણીતા મનોજ કુમારે હિન્દી સિનેમામાં દેશપ્રેમની ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ શરૂૂ કરેલો.
મનોજકુમારના આગમન પહેલાં બનતી દેશપ્રેમની મોટા ભાગની ફિલ્મો આઝાદીની લડાઈ પર આધારિત હતી. મનોજ કુમારે આઝાદ ભારત અને આધુનિક ભારતને રજૂ કરીને દેશપ્રેમની વ્યાખ્યા બદલી હતી. દેશની આઝાદી માટે લડવું જ દેશપ્રેમ નથી પણ દેશને સમૃદ્ધ બનાવવા માટે યોગદાન આપવું એ પણ દેશપ્રેમ છે એ વિચારને મનોજ કુમારે લોકો સામે સફળતાપૂર્વક રજૂ કર્યો હતો. મનોજ કુમારે પોતાની દેશપ્રેમની ફિલ્મોના સામાજિક વિચારો સાથે પણ જોડી હતી. સરહદોનું જતન જ નહીં પણ દેશમાં મૂલ્યોનું જતન, ભારતીયતાનું જતન પણ અત્યંત જરૂૂરી છે એ વિચારને કેન્દ્રમાં રાખીને મનોજ કુમારે ફિલ્મો સર્જી હતી. લોકોને આ વિચાર ગમેલો ને તેના કારણે મનોજ કુમારની મોટા ભાગની દેશપ્રેમ આધારિત ફિલ્મો સફળ થયેલી. મનોજ કુમારે ટેલેન્ટેડ પણ મોહમ્મદ રફીના છાયામાં જ રહી ગયેલા મહેન્દ્ર કપૂરને દેશપ્રેમનાં ગીતો દ્વારા નવી ઓળખ આપી એ પણ મહત્ત્વનું યોગદાન છે. મહેન્દ્ર કપૂર મહાન ગાયક હતા તેમાં કોઈ શક નથી પણ રફીના વિકલ્પ તરીકે લેવાતા.
મનોજ કુમારે દેશપ્રેમનાં ગીતોને બુલંદ અવાજે ગાવા માટે મહેન્દ્રકપૂરના અવાજનો ઉપયોગ કરીને તેમને દેશપ્રેમનાં ગીતોના ગાયક તરીકે સ્થાપિત કર્યા. ઉપકાર અને પૂરબ પશ્ચિમ એ બે ફિલ્મોનાં ગીતો દ્વારા મહેન્દ્ર કપૂરને આ નવી ઓળખ મળી. મોટા ભાગના સર્જકોની જેમ મનોજ કુમાર પણ કારકિર્દીનાં પાછલાં વરસોમાં પોતાનો ટચ ખોઈ બેસતાં ઉપરાછાપરી નિષ્ફળ ફિલ્મો આપીને પછી ખોવાઈ ગયા પણ 1980ના દાયકા લગી મનોજકુમાર સફળ હતા એ સ્વીકારવું પડે. આજની પેઢીને મનોજકુમારના સિનેમા જગતમાં અનેરા યોગદાનની વાત કદાચ નહીં સમજાય આજે પણ સ્વાતંત્રતા અને પ્રજાસત્તક દિને સાંભળવા મળતા દેશભક્તના ગીતો એટલા જ લોકપ્રિય અને કયારેક આંખ ભીની કરનારા છે. વિદેશમાં રહેતા ભારતીઓ પણ ાઅવા ગીતો સાંભળી દેશની ધરતીને યાદ કરે છે.