નીતેશ તિવારીની રામાયણમાં જટાયુના પાત્રને અવાજ આપશે અમિતાભ બચ્ચન
રણબીર કપૂર ભગવાન રામ અને પરશુરામની ભૂમિકા નિભાવશે
નીતેશ તિવારીની રામાયણ અત્યંત મહત્ત્વાંકાંક્ષી પ્રોજેક્ટ બની ગયો છે. હવે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઈ હોવાનો રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે બિગ બી આ ફિલ્મમાં જટાયુના પાત્રને પોતાનો અવાજ આપશે અને ફિલ્મના સૂત્રધારની જવાબદારી પણ નિભાવશે.
રામાયણમાં જટાયુનું પાત્ર બહુ મહત્ત્વનું છે અને તે માતા સીતાના અપહરણ સમયે રાવણ સામે લડીને પોતાના જીવનનું બલિદાન આપે છે. ફિલ્મમાં આ પાત્રને ટઋડ દ્વારા રજૂ કરવામાં આવશે અને રિપોર્ટ પ્રમાણે આ પાત્ર માટે અમિતાભની આંખોને સ્કેન કરવામાં આવી છે જેથી જટાયુનું ચિત્રણ વધારે વાસ્તવિક રીતે કરી શકાય. આ સિવાય અમિતાભને સૂત્રધારની જવાબદારી સોંપવાનું લગભગ ફાઇનલ છે, કારણ કે નિર્માતાઓને લાગે છે કે અમિતાભના અવાજમાં જેવી ગહનતા છે એવી કોઈ બીજાના અવાજમાં નથી.
નીતેશ તિવારીની રામાયણ વિશેના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે રણબીર કપૂર ફિલ્મમાં ભગવાન વિષ્ણુના બે અવતાર ભગવાન રામ અને પરશુરામની ભૂમિકા નિભાવશે. પરશુરામનું પાત્ર ટૂંકું પરંતુ મહત્ત્વનું છે જેમાં તેઓ ભગવાન રામને શિવધનુષ (પિનાક) તોડ્યા બાદ પડકારે છે. રણબીરનો પરશુરામનો લુક એકદમ અલગ અને ઓળખી ન શકાય એવો હશે.