નવા ઘરની તસ્વીરો-વીડિયો વાયરલ થતા આલિયા અકળાઇ
પ્રાઇવસીનું ઉલ્લંધન ગણાવી ડીલીટ કરવા અપીલ કરી
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બાંદરામાં 250 કરોડ રૂૂપિયાનું એક નવું ઘર બનાવી રહ્યાં છે. તાજેતરમાં આ નિર્માણાધીન ઘરની તસવીરો અને વિડિયો પણ સામે આવ્યાં હતાં જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં હતાં. હવે આલિયા ભટ્ટ તેના નિર્માણાધીન ઘરનું પરવાનગી વગર રેકોર્ડિંગ કરનારાઓ પર ગુસ્સે થઈ ગઈ છે. આલિયાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેના ઘરની તસવીરો અને વિડિયો વાઇરલ કરનારાઓની ઝાટકણી કાઢી છે.આલિયા ભટ્ટે પોસ્ટમાં લખ્યું છે, હું સમજું છું કે મુંબઈ જેવા શહેરમાં જગ્યા મર્યાદિત છે. કેટલીક વાર તમારી બારીમાંથી બીજાના ઘરનો નજારો દેખાય છે, પરંતુ આનો અર્થ એ નથી કે કોઈને ખાનગી ઘરોના વિડિયો બનાવવાનો અને એને ઑનલાઇન મૂકવાનો અધિકાર છે. અમારા નિર્માણાધીન ઘરનો એક વિડિયો અમારી જાણકારી કે સંમતિ વગર અનેક પ્રકાશનોએ રેકોર્ડ કરીને પ્રકાશિત કર્યો છે.
આ સ્પષ્ટ રીતે પ્રાઇવસીનું ઉલ્લંઘન છે અને આ એક સુરક્ષાનો ગંભીર મુદ્દો છે. પરવાનગી વગર કોઈની ખાનગી જગ્યાનો વિડિયો બનાવવો કે એની તસવીરો લેવી એ ક્ધટેન્ટ નથી. આ એક ઉલ્લંઘન છે. આને ક્યારેય નોર્મલ માનવું જોઈએ નહીં.
આ પોસ્ટના અંતમાં આલિયાએ અપીલ કરતાં કહ્યું છે, એક વિનમ્ર પરંતુ દૃઢ અપીલ છે કે જો તમને ઑનલાઇન આવી કોઈ ક્ધટેન્ટ મળે તો કૃપા કરીને એને ફોર્વર્ડ કે શેર ન કરો. જેમણે આ તસવીરો અને વિડિયો પોસ્ટ કર્યાં છે એ મીડિયાના અમારા મિત્રોને હું વિનંતી કરું છું કે એને તરત હટાવી દો, આભાર.