અક્ષયકુમારની કેસરી-2 થશે 18મીએ સિનેમાઘરોમાં રિલીઝ
હિન્દી સિનેમામાં ઘણા સમયથી સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવામાં આવી રહી છે. આવી જ એક અક્ષય કુમાર અને આર માધવન સ્ટારર ફિલ્મ કેસરી ચેપ્ટર 2 આવી રહી છે. જે 1919ના જલિયાંવાલા હત્યાકાંડ પર આધારિત છે.
કેસરી ચેપ્ટર 2 ફિલ્મનું ટ્રેલર કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લોન્ચ કરવામાં આવ્યું છે. આ 3 મિનિટ 2 સેક્ધડના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બ્રિટિશ શાસનના જનરલ ડાયરે ષડયંત્ર દ્વારા જલિયાંવાલા બાગ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ ઘટનાનું સત્ય બહાર લાવવા માટે વકીલ સી શંકરન નાયરની ભૂમિકા અક્ષય કુમાર ભજવી રહ્યા છે.
અભિનેતા આર માધવન બ્રિટિશ ક્રાઉનના વકીલની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં અનન્યા પાંડેની ઝલક પણ જોવા મળશે. આ આખી ફિલ્મ 13 એપ્રિલ 1919 ના રોજ થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડ પાછળની કહાણી પર આધારિત છે. આ હત્યાકાંડમાં નિર્દોષ બાળકો, મહિલાઓ, પુરુષો અને વૃદ્ધો સહિત અનેક લોકો માર્યા ગયા હતા.
ફિલ્મનું ટ્રેલર જોયા પછી કેસરી ચેપ્ટર 2 ને લઈને ચાહકોનો ઉત્સાહ ઘણો વધી ગયો છે અને તેઓ તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 18 એપ્રિલ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સ્કાય ફોર્સ પછી, કેસરી 2 આ વર્ષે રિલીઝ થનારી અક્ષર કુમારની બીજી ફિલ્મ હશે.