અભિષેક બચ્ચનની ફિલ્મ ‘બી હેપ્પી’ 14 માર્ચના OTT પર થશે રિલીઝ
અભિષેક બચ્ચનની અનોખા વિષય પરની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક એમેઝોન પ્રાઇમ પર આવી હતી. હવે તેની વધુ એક ફિલ્મ બી હેપ્પી પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની પત્ની લીઝેલ દ્વારા રેમો ડિસોઝા એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અંતર્ગત આ ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી છે. જેમાં પરિવારની, સપનાઓની તાકાતની અને પ્રેમની કોઈ પણ સ્થિતિમાં ટકી રહેવાની વાત છે.આ ફિલ્મમાં અભિષેક સાથે નોરા ફતેહી ઇનાયત વર્મા મહત્વના રોલમાં છે, આ ઉપરાંત નાસર, જ્હોની લિવર અને હરલીન સેઠી પણ છે.
આ ફિલ્મમાં અભિષેક ફરી એક વખત શિવ નામના એક સિંગલ ફાધરનો રોલ કરે છે, જેનો તેની દિકરી ધારા સાથે મજબુત અને આનંદી સંબંધ છે. ધારાનું સપનું એક દિવસ દેશના સૌથી મોટા ડાન્સ રિયાલિટી શોના સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું છે. પરંતુ અચાનક એક એવી મુશ્કેલી આવી પડે છે કે તેનું આ સપનું તૂટી જાય છે, ત્યારે શિવ સામે એક અશક્ય નિર્ણય લેવાની સ્થિતિ આવી પડે છે. ત્યારે પોતાની દિકરીના સપનાને જીવંત રાખવા માટે તે દૃઢ નિશ્ચય લે છે અને એક સફર શરૂૂ કરે છે. તેમાં તેની સામે નવા પડકારો આવે છે અને તે પોતાની જાતના નવા પાસાઓ પણ જાણે છે. આ સફરમાં તેને જીવનમાં ખુશીનો નવો અર્થ પણ સમજાય છે.
રેમો ડિસોઝાએ આ અંગેના નિવેદનમાં કહ્યું, મારા અને લિઝેલ માટે, બી હેપ્પી એક પેશન પ્રોજેક્ટ છે. જે સંગીત અને ડાન્સ દ્વારા પિતા ને પુત્રી વચ્ચેનો અનોખો અને મજબુત સંબંધ દર્શાવે છે. આ એવો સંબંધ છે જે યુનિવર્સિલ છે અને તેને કોઈ સંસ્કૃતિ કે દેશનું બંધન નડતું નથી. અમે એવી ભાવના સાથે ફિલ્મ બનાવવા માગતા હતા, જે ઓથેન્ટિક હોય અને તમને ઉત્સાહ આપે આવી પણ. પ્રાઇમ વીડિયો સાથેની અમારી સફર પણ ઘણી સારી રહી છે. આ ફિલ્મની સમગ્ર કાસ્ટ પ્યોર મેજિક છે. તેમણે ફિલ્મની વાર્તામાં જીવ અને પ્રાણ રેડી દીધા છે. આ ફિલ્મ 240 દેશોમાં 14 માર્ચથી સ્ટ્રીમ થશે.