કાલે દશેરા: કોઇપણ શુભ કાર્ય કરવું ફળદાયી નિવડશે
આસો શુદ નોમ ને શનીવાર તા. 12/10/2024ના દિવસે સવારના 11 વાગ્યા સુધી નોમ તિથિ છે ત્યારબાદ દશમ તિથિ છે આમ જ્યોતિષના નિયમ પ્રમાણે દરેક પંચાંગ પ્રમાણે આ દિવસે દશેરા છે.
હિન્દુ પંચાગ પ્રમાણે વર્ષમાં ચાર શ્રેષ્ઠ દિવસ આવે છે. આ ચાર શ્રેષ્ઠ દિવસોમાં મુર્હુત જોવાની જરૂૂર રહેતી નથી. આ દિવસે કોઈપણ કામ મુર્હુત શુભ કાર્ય કરવું ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. બેસતુ વર્ષ, ચૈત્ર શુદ એકમ, અખાત્રીજ, દશેરા, આ ચાર વણજોયા મુર્હુતના દિવસો છે. આથી દશેરાના દિવસે મુર્હુતમાં ચંદ્ર બળ, નક્ષત્ર જોવાની જરૂૂર રહેતી નથી. દશેરાના દિવસે નવુ વાહન ખરીદવુ, કળશ પધરાવો, વાસ્તુ, ખાતમુર્હુત, નવી દુકાન પેઢીનું મુર્હુત, સોના, ચાંદીની ખરીદી નવા વસ્ત્રો, સામાનની ખરીદી બધુજ ઉત્તમ અને શ્રેષ્ઠ છે.
આ દિવસે રામ ભગવાને અપરાહન કાળ માં એટલે કે, બપોરના સમયે રામ ભગવાને રાવણ ને માર્યો હતો. આ દિવસે પાંડવોએ વનવાસના તેરમા વર્ષે શમીના એટલે કે, ખીજડાના વૃક્ષની બખોલ માં પોતાના હથીયાર છુપાવેલા હતા તે મેળવી અને આ દશેરાના દિવસે અર્જુને વિજય ટંકાર કરેલો આથી દશેરાના દિવસે શમી વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે શસ્ત્રોનું દેવી સ્વરૂૂપે પૂજન કરવામાં આવે છે. દશેરાનો આખો દિવસ શુભ છે. આમ આ દિવસે કોઈપણ ચોઘડીયા જોવાની જરૂર રહેતી નથી. વણજોયું મુર્હુત હોવાથી આખો દિવસ શુભ છે. શસ્ત્ર પૂજા વિજય મુર્હુતમાં કરવી શુભ છે. વિજય મુર્હુત બપોરે 2:30થી 3:17.
ગરબો પધરાવવા માટે શુભ મુહૂર્ત
રિવાજ પ્રમાણે રવિવારે અને મંગળવારે ગરબો પધરાવાતો નથી આથી શનિવારે સાંજે દિવસ આથમ્યા પછી ગરબા મા દીવો કરી ગરબા ગાય અને ત્યારબાદ દિવસ આથમ્યા પછી લાભ ચોઘડિયા મા રાત્રે 6.23 થી 7.56 વાગ્યા દરમિયાન મંદિરે અથવા નદીએ ગરબો પધરાવવા જવું શુભ રહેશે.