શ્રાદ્ધનો મહિમા: પરંપરા સાથે માનવતા
ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધ એક અત્યંત પવિત્ર સંસ્કાર મનાય છે. શ્રાદ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓ, પૂર્વજો પ્રત્યે આદરભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને સંતાનોને દીર્ઘ આયુષ્ય, સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આપણું અસ્તિત્વ પિતૃઓથી જ છે, તેથી તેની યાદમાં જ આ પિતૃકાર્ય, પિતૃતર્પણ કે શ્રાદ્ધ કરીએ છીએ.
પુરાણો અનુસાર ભાદરવા માસમાં કૃષ્ણપક્ષની 16 તિથિઓને શ્રાદ્ધ કે પિતૃ પક્ષ પણ કહેવાય છે. આ દિવસોમાં પિતૃઓને યાદ કરીને તેમના આત્માને શાંતિ અને મોક્ષ મળે એ માટે તર્પણ, પિંડદાન તેમજ દાનપુણ્ય કરવામાં આવે છે. આ દિવસોમાં દાનનું પણ અનેરું મહત્વ દર્શાવાયું છે, જેથી ગરીબોને સહાય કરવી, જરૂૂરિયાતમંદ કે અનાથ બાળકોને મફત શિક્ષણ અપાવવું કે બ્રાહ્મણોને ભોજન કરાવવું જેવા અનેક સારા કાર્યો પણ પૂર્વજોની પાછળ કરાય છે.
આજના સમાજમાં મારો એક વિચાર બધાને વિચારતા કરી મૂકે તેવો છે. જેમ કે, ‘આપણે મરેલાઓ માટે તો શ્રાદ્ધ કરીએ છીએ, પરંતુ જીવતા વડીલોને વૃદ્ધાશ્રમમાં કેમ મૂકીએ છીએ??’
શ્રાદ્ધનો સાચો અર્થ છે કે શ્રદ્ધા સાથે કરેલી સેવા. એ સેવા અને આદર મરેલા પૂર્વજો માટે તર્પણરૂૂપે હોય કે, જીવતા માવતર કે વડીલોની સેવારૂૂપે, બંનેનો સેવાભાવ એક જ છે. પૂર્વજોનું શ્રાદ્ધ કરો કે જીવતા વડીલોને પ્રેમ, દયા, કરૂણા કે સહાનુભૂતિ દાખવો. બંને ખરા અર્થમાં પિતૃઓને સાચી શ્રદ્ધાંજલિ જ ગણાશે. 16 દિવસના શ્રાદ્ધ દરમિયાન દરેક વ્યક્તિ એક અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં પોતાનાથી બનતી એટલી સહાય કરે તો પણ સાચું શ્રાદ્ધ ગણાશે.
શ્રાદ્ધમાં વિધિપૂર્વક બ્રાહ્મણોને જમાડીએ કે ના જમાડીએ, વળી ખીર, પૂરી કે રોટલી બનાવીને કાગડાઓને કે કૂતરાઓને નહીં ખવડાવીએ તો પણ ચાલશે, પરંતુ જીવતા માવતરને વૃદ્ધાશ્રમ મૂકવા તો ના જ જઈએ. આજે વિક્સતા ભારતમાં ઠેર ઠેર વૃદ્ધાશ્રમ ખુલી રહ્યા છે. ઋષિમુનિઓનાં દેશમાં વિક્સતા વૃદ્ધાશ્રમથી ભારતની સંસ્કૃતિ વિકસી રહી છે કે પશ્ચિમની દેખાદેખી વિકસી રહી છે. ગામડેથી શહેર તરફની આંધળી દોટમાં આજે માવતરની જમીન તો હોડમાં મૂકાણી જ છે સાથે સાથે વડીલો પણ શહેર અને ગામડાનાં ત્રાજવે ઝોખાઇ રહ્યા છે. દીકરા ખાતર જમીન રફેદફે કરનાર માવતર વૃદ્ધાવસ્થામાં પોતાના જ દીકરાઓ દ્વારા રફેદફે થતાં હોય છે.
જીવતા માતા-પિતાને જીવતેજીવ જો સાચવીના શકતા હોય તો તેમના મરણ પછી તેના ફોટો પર હાર પહેરાવવો કે કાગડાઓને ખીર ખવડાવવી એ ક્યાંનો ન્યાય છે? આપણે ઋષિમુનિઓના દેશમાં વસીએ છીએ તો સંસ્કાર પણ એ પ્રમાણે જ હોવા જોઈએ નહીં કે ઢોંગ, ધતિંગ કે દેખાડા પૂરતા સિમિત. આપણા વડીલો પોતાના માતા-પિતાને દેવ સમાન પૂજતા, આટલું જ નહીં, મર્યા પછી પણ એમને પૂરા આદર સત્કારથી ખીર, પૂરી ખવડાવતા. જયારે આપણે આંધળું અને અધૂરું અનુકરણ કરીને પિતૃઓને ખીર, તર્પણ અને જીવતા વડીલને વૃદ્ધાશ્રમમાં મોકલીએ છીએ.
જો આપણો સમાજ જીવતા અનાથ, ગરીબ કે વૃધોની સેવા તરફ એક કદમ આગળ વધે, તો શ્રાદ્ધ પક્ષ માત્ર પરંપરા ના રહેતા માનવતાનો મહાન ઉત્સવ બની જશે. મરેલા માટે કરેલું શ્રાદ્ધ એ આપણા સંસ્કાર છે, પરંતુ જીવતા મા-બાપની સાચી સેવા કરવી એ જ આપણું માનવત્વ છે. મર્યા પછી કોઈને આપણી ખીરમાં જરાં પણ દિલચસ્પી નથી, કેમ કે જીવતા જ એટલા હેરાન કર્યા હોય. ગમે એટલા પશ્ચિમી અનુકરણ કરીએ તો પણ આપણી સંસ્કૃતિ તો ભુલાવી ના જ જોઈએ.
ખરાં અર્થમાં તો સાચું શ્રાદ્ધ એ જ છે કે, ‘જ્યાં પૂર્વજોની સ્મૃતિ’ અને જીવંત માટે ‘માનવ સેવા’ બંનેના સંગમથી જ પૂર્વજો પણ તૃપ્ત થશે. શ્રાદ્ધનાં દિવસો દરમિયાન એક દૃઢ સંકલ્પ લઈએ કે જીવતા જ માવતરને સાચવી લઈએ અને એમના આત્માને જીવતા જ તૃપ્ત કરીએ.