નિષ્ણાતો નિષ્ફળ ગયા, ચેટ GTPએ દુર્લભ રોગ શોધી કાઢ્યો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કમાલથી બાળકની બીમારીનું નિદાન અને સારવાર શરૂ થઇ શકી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની તાકાતનો વધુ એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ChatGPTએ એક ચિંતિત માતાને તેના 4 વર્ષના પુત્રની દુર્લભ બીમારીનું સચોટ નિદાન કરવામાં મદદ કરી છે. આ પહેલાં 17 જેટલા ડોક્ટરો બાળકની સ્થિતિનું યોગ્ય નિદાન અને સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેમ જેમ AI ટૂલ્સનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે, તેમ તેમ લોકો તેમની નાનીથી લઈને મોટી સમસ્યાઓના ઉકેલ માટે ચેટબોટ્સ પર વધુને વધુ આધાર રાખી રહ્યા છે. એલેક્સની માતા ત્રણ વર્ષના સમયગાળામાં એક ડોક્ટરથી બીજા ડોક્ટર પાસે ભટકી હતી, પરંતુ કોઈ પણ તેના બાળકની દુર્લભ સ્થિતિનું નિદાન કે યોગ્ય સારવાર શોધી શક્યું ન હતું. જાણો કેવી રીતે કોર્ટનીએ ChatGPTની મદદ લીધી અને એલેક્સના ટેથર્ડ કોર્ડ સિન્ડ્રોમ વિશે જાણ્યું, સાથે જ તેની સારવાર માટે આગળના પગલાં પણ શોધ્યા.
મીડિયા રિપોર્ટ અનુસાર, ChatGPTનો ઉપયોગ 4 વર્ષના બાળકનો જીવ બચાવવા માટે કરવામાં આવ્યો, કારણ કે એક ડઝનથી વધુ ડોક્ટરો તેનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. કોવિડ-19 રોગચાળા દરમિયાન, કોર્ટનીએ તેના ચાર વર્ષના પુત્રમાં કેટલીક અસ્વસ્થતા જોવાનું શરૂૂ કર્યું. એલેક્સને દાંતમાં દુખાવો થતો હતો અને તે પીડાને ઓછી કરવા માટે ગમે તેવી વસ્તુઓ ચાવવા લાગ્યો હતો. બાદમાં, માતાએ એ પણ નોંધ્યું કે એલેક્સનો વિકાસ દર ધીમો પડી ગયો હતો, જેના કારણે મોટી ચિંતા ઊભી થઈ હતી. આ ઉપરાંત, બાળકના ડાબા અને જમણા પગની બાજુમાં અસંતુલન પણ થવા લાગ્યું હતું, પરંતુ કોઈ ડોક્ટર તેનું સાચું કારણ શોધી શક્યા ન હતા.
ChatGPTની ભલામણ બાદ, કોર્ટની એક ફેસબુક ગ્રુપમાં જોડાઈ, જ્યાં તેને એવા બાળકો વિશે જાણવા મળ્યું જેઓ એલેક્સ જેવા જ લક્ષણોથી પીડિત હતા. પછી, તેણીએ ChatGPTની સલાહ સાથે એક નવા ન્યુરોસર્જનનો સંપર્ક કર્યો, જેમણે પુષ્ટિ કરી કે AI ચેટબોટ સંપૂર્ણપણે સાચું હતું. બાદમાં, એલેક્સની સ્પાઇનલ કોર્ડની સર્જરી કરવામાં આવી અને હવે તે સ્વસ્થ થઈ રહ્યો છે.