'રામાયણ' ફિલ્મનું ટીઝર રિલીઝ: રણબીરે શ્રીરામના રોલમાં અને યશે રાવણ બનીને લોકોના દિલ જીત્યા
રણબીર કપૂર અને યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'નું ટીઝર રિલીઝ થાય ગયું છે. આ ફિલ્મ તેની ઉત્તમ સ્ટારકાસ્ટ માટે લાંબા સમયથી હેડલાઇન્સમાં રહી છે. નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મના પહેલા ટીઝરમાં જોરદાર વિઝ્યુઅલ ઈફેક્ટ્સ બતાવવામાં આવી છે. રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે, રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે.
નિર્માતાઓએ પહેલાથી જ જાહેરાત કરી હતી કે તેઓ 3 જુલાઈના રોજ સવારે 11 વાગ્યા પછી 'રામાયણ' ફિલ્મની પહેલી ઝલક બતાવશે. તેમના વચન મુજબ, નિર્માતાઓએ 'રામાયણ' ફિલ્મની પહેલી ઝલક શેર કરી છે, જેમાં રણબીર કપૂર અને યશની નાની ઝલક જોવા મળે છે. શેર કરેલી ક્લિપ જોયા પછી, ચાહકોનો ઉત્સાહ ઘણો વધી ગયો છે. ભગવાન રામનો રોલ કરનાર રણબીર તીર મારતો જોવા મળી રહ્યો છે.
આ 2 મિનિટ 33 સેકન્ડની ક્લિપમાં બતાવેલ VFX એ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયો ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ભગવાન શિવથી શરૂ થાય છે. વીડિયોના છેલ્લા 7 સેકન્ડમાં, રણબીર ભગવાન રામના પાત્રમાં ખૂબ જ સુંદર દેખાય છે. તેણે આ પાત્ર માટે ખૂબ જ મહેનત કરી છે. અભિનેતાએ પોતાની ભાષા પર ખૂબ મહેનત કરી છે અને તીર ચલાવવાની તાલીમ પણ લીધી છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી રામાયણનું નિર્માણ નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયો અને 8 વખત ઓસ્કાર વિજેતા VFX સ્ટુડિયો DNEG દ્વારા કરવામાં આવી રહ્યું છે. યશ 'રામાયણ'માં રાવણની ભૂમિકા ભજવી રહ્યો છે અને તે ફિલ્મના નિર્માતાઓની ટીમનો પણ એક ભાગ છે.
'રામાયણ' ખાસ કરીને IMAX જેવા મોટા ફોર્મેટ માટે શૂટ કરવામાં આવ્યું છે. નિર્માતાઓએ 'રામાયણ' ની પહેલી ઝલક વૈશ્વિક સ્તરે લોન્ચ કરી છે. તે ભારતના 9 મોટા શહેરોમાં તેમજ ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર બતાવવામાં આવી હતી. રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી ઉપરાંત, ફિલ્મની સ્ટાર કાસ્ટમાં સની દેઓલ અને રવિ દુબે પણ શામેલ છે. એટલું જ નહીં, ફિલ્મમાં કેટલાક અન્ય મોટા સ્ટાર્સ પણ હાજર છે. 'રામાયણ'નો પહેલો ભાગ આવતા વર્ષે દિવાળી પર અને બીજો ભાગ 2027 ની દિવાળી પર વિશ્વભરમાં રિલીઝ થશે.