પ્રભુના પારણાને હેતે ઝુલાવતા ચૌદ સ્વપ્નાની ઉછામણી
પર્વાધિરાજ પર્યુષણના મંગલ પર્વ ના દિવસોમાં આજે શ્રીમૂર્તિપૂજક સંઘમાં પર્યુષણ પર્વનો પાંચમો દિવસ છે. આજના દિવસે મહાવીર પ્રભુના જન્મનું વાંચન અને 14 સ્વપ્નની ઉછામણી અને વધામણી કરવામાં આવી હતી.માતા ત્રિશલાને આવેલ 14 સ્વપ્નાની ઉછામણી કરીને ક્રમશ: સ્વપ્ન ઉતારવામાં આવ્યા હતા અને લાભાર્થી પરિવાર સ્વપ્ન મસ્તકે રાખી અક્ષતથી વધાવી ફુલ માળા ચડાવી હતી.
તપ ત્યાગ અને ધર્મ આરાધનાની હેલી ચડી છે ત્યારે આજે શ્રીમૂર્તિપૂજક જે સંઘમાં મહાવીર જન્મ વાંચન અને 14 સ્વપ્નાની ઉછામણી અને વધામણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં દેરાસરો માં ભગવાનને દિવ્ય અને ભવ્ય આંગી કરવામાં આવી હતી, જેમાં ભગવાનને ફૂલો,હીરા,મોતી,જડતર તેમજ અનેક પ્રકારના શણગાર કરીને આંગી સજાવવામાં આવી હતી. પ્રભુને હૈયાના હેતે ઝુલાવતા માતા ત્રિશલાને આવેલ ચૌદ સ્વપ્નોમાં ભગવાનના પારણાં સહિત જુદા જુદા સ્વપ્નોની કૃતિ શ્રાવકો પોતાના ઘરે પધરાવે છે અને પોતાના ભાવ પ્રભુને અર્પણ કરે છે.
શહેરના દરેક દેરાસરોમાં પ્રભુના 14 સ્વપ્નનું અવતરણ કરવામાં આવે છે. શહેરના શ્રી મણિયાર દેરાસરજી તથા શ્રી જાગનાથ દેરાસરમાં પ્રભુને સુંદર આંગી સજાવવામાં આવી છે તેમજ દરરોજ સવારે પૂજા પ્રવચન તેમજ રાત્રે આંગીના દર્શન અને ભાવનાનું આયોજન થાય છે.