ISROના 100મા મિશનને મોટો ઝટકો, NVS-02 નક્કી કક્ષામાં સ્થાપિત ના થયું, થ્રસ્ટર્સ ફેલ
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના 100મા રોકેટ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે લોન્ચ કરાયેલા આ મિશનમાં રવિવારે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. 2250 કિલોગ્રામ વજન ધરાવતું આ સેટેલાઈટ નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટલેશન એટલે કે NavICનો હિસ્સો હતો. એવું મનાય છે કે NavIC સીરિઝના સેટેલાઈટ 2013થી લઈને અત્યાર સુધી અપેક્ષા પ્રમાણે ખરા ઉતર્યા નથી.
NVS-02 ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવાના પ્રયાસોને ત્યારે ફટકો પડ્યો જ્યારે અવકાશયામાં લાગેલા થ્રસ્ટર્સ કામ કરવામાં નિષ્ફળ ગયા. અવકાશ એજન્સીએઆ માહિતી આપી. ભારતની પોતાની અવકાશ-આધારિત નેવિગેશન સિસ્ટમ માટે મહત્વપૂર્ણ માનવામાં આવતા NVS-02 ઉપગ્રહને 29 જાન્યુઆરીએ GSLV-Mk 2 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી આ ISROનું 100મું લોન્ચિંગ હતું.
ઇસરોએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે અવકાશયાન પર સ્થાપિત થ્રસ્ટર્સની નિષ્ફળતાને કારણે NVS-02 ઉપગ્રહને ઇચ્છિત ભ્રમણકક્ષામાં મૂકવાનો પ્રયાસ સફળ થયો ન હતો.
ભારતની પોતાની અવકાશ-આધારિત નેવિગેશન સિસ્ટમ માટે મહત્વપૂર્ણ મનાતા NVS-02 ઉપગ્રહને 29 જાન્યુઆરીએ GSLV-Mk 2 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર, ઇસરોએ એમ પણ કહ્યું કે, 'સેટેલાઇટ સિસ્ટમ હાલમાં યોગ્ય હાલતમાં છે અને સેટેલાઈટ હાલમાં એલિપ્ટિક ઓર્બિટમાં છે. એલિપ્ટિક ઓર્બિટમાં નેવિગેશન માટે સેટેલાઈટના ઉપયોગ માટે મિશનની વૈકલ્પિક રણનીતિઓ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અહેવાલ છે કે 2013 થી NavIC શ્રેણીના કુલ 11 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાંથી 6 સંપૂર્ણપણે અથવા આંશિક રીતે નિષ્ફળ ગયા છે.
1999માં પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધ પછી ભારતે NavIC વિકસાવ્યું હતું. યુદ્ધ દરમિયાન ભારતને GPS ડેટા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ GPSનું પ્રાદેશિક સંસ્કરણ બનાવવાનું વચન આપ્યું હતું.